ગાંધીનગર,શુક્રવાર
ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019માં યોજાવાની હતી, પરંતુ એ સમયે કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે એ સમિટ આગામી 10 જાન્યુઆરીના રોજ યોજવાની ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. એમાં પણ દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોના ઉદ્યોગકારો અને આગેવાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વાઇબ્રન્ટ સમિટમાં 15 જેટલા કન્ટ્રી પાર્ટનર પણ બન્યા છે. આ ઉપરાંત અન્ય દેશોના પ્રતિનિધિ અને મૂડીરોકાણકારોએ પણ વાઇબ્રન્ટમાં આવવાની તત્પરતા બતાવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર અર્થે દેશ-વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે,
ઓમિક્રોનના પગલે ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ અંગેનો નિર્ણય 20 ડિસેમ્બરના રોજ કેન્દ્રની ગાઈડલાઈન બાદ લેવામાં આવી શકે છે. જેમાં માત્ર 500 મહેમાનો સાથે સાદાઈથી સમિટ કરવાની પણ વિચારણા સરકારમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સના 20 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કોરોના અંગેની ગાઈડલાઈન અને કર્ફ્યૂ સહિતના પ્રતિબંધોની ફેરવિચારણા કરવાની છે. તે સમયે જ સરકાર વાઇબ્રન્ટ સમિટનો આખરી નિર્ણય લઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય સાથે પણ સતત સંપર્ક કરી વાઇબ્રન્ટ અંગેનું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 1 ડિસેમ્બરથી વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી ત્રિદિવસીય ગ્લોબલ ટ્રેડ શોનું હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. આ ટ્રેડ ફેર શોની થીમ ‘‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’’ રાખવામાં આવી છે.

