અફઘાનિસ્તાન,શનિવાર
મહિલાઓ પર વારંવાર નિયંત્રણો લાદતા તાલિબાને હવે મહિલાઓની તરફેણમાં મોટો નિર્ણય લીધો છે. તાલિબાને કહ્યું છે કે તેણે અફઘાનિસ્તાનમાં મહિલાઓના જબરદસ્તી લગ્ન રોકવાનો નિર્ણય લીધો છે. જો કે, તાલિબાનના આ નિર્ણયને વિકસિત દેશોની ઓળખ મેળવવાના ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુનઝાદાએ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો. જો કે, હજુ સુધી તેને માન્યતા મળી નથી, જેના કારણે વિદેશથી અફઘાનિસ્તાનમાં તમામ સુવિધાઓ અને ભંડોળ બંધ થઈ ગયું છે અને દેશ ગરીબીની આરે આવીને ઊભો છે. પોતાની ઘોષણામાં અખુનઝાદાએ કહ્યું, ‘બંને (સ્ત્રીઓ અને પુરુષો) સમાન હોવા જોઈએ. બળજબરી કે જબરદસ્તી હેઠળ કોઈ પણ મહિલાઓને લગ્ન કરવા દબાણ કરી શકે નહીં.
ગરીબી અને રૂઢિચુસ્ત વિચારસરણીના કારણે અફઘાનિસ્તાનમાં મહિલાઓના બળજબરીથી લગ્ન સામાન્ય બની ગયા હતા. ઘણા લોકોએ તેમના પરિવારનું ભરણપોષણ કરવા અને તેમનું દેવું ચૂકવવા માટે તેમની પુત્રીઓને લગ્ન કરવા દબાણ કર્યું. તાલિબાન દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં બળજબરીથી લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમાં હજુ પણ લઘુત્તમ વયનો ઉલ્લેખ નથી. અગાઉ તે 16 વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં દાયકાઓથી મહિલાઓનો ઉપયોગ સંપત્તિ તરીકે કરવામાં આવે છે. હત્યાના બદલામાં અથવા ઝઘડાને સમાપ્ત કરવા માટે, સ્ત્રીઓ પણ લગ્ન કરે છે. પરંતુ હવે તાલિબાને કહ્યું છે કે તે આ પ્રથાની વિરુદ્ધ છે.
તાલિબાને એમ પણ કહ્યું હતું કે જો મહિલાનો પતિ મૃત્યુ પામે છે તો તે 17 અઠવાડિયા પછી ફરીથી લગ્ન કરી શકે છે. આદિવાસીઓમાં લાંબા સમયથી એવો રિવાજ પણ રહ્યો છે કે જો કોઈ મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હોય તો તે તેના પતિના ભાઈ કે કોઈ સંબંધી સાથે જ લગ્ન કરી શકે છે, પરંતુ તાલિબાનોએ કહ્યું છે કે હવે વિધવા મહિલા સ્વતંત્ર છે. તે પોતાની પસંદગી કરી શકે છે. તાલિબાને એમ પણ કહ્યું છે કે તેણે અફઘાન અદાલતોને મહિલાઓ, ખાસ કરીને વિધવાઓ સાથે ન્યાયપૂર્ણ વર્તન કરવાનો આદેશ આપ્યો છે. પરાંત તાલિબાને તેના મંત્રીઓને સમગ્ર વસ્તીમાં મહિલાઓના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા જણાવ્યુ છે.

