આગામી તા. 19/04/2026ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્નપ્રસંગો યોજાનાર છે. આ પ્રસંગે ક્યાંય પણ બાળલગ્ન જેવી કુરિતી ન બને તે માટે મોરબીના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ ખાસ તૈયારી અને તકેદારી હાથ ધરી છે. બાળલગ્ન રોકવા તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ હેલ્પલાઇન નંબર જાહેર કરીને લોકસહભાગિતાની અપીલ કરવામાં આવી છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અનુસાર, દીકરીના 18 વર્ષ પહેલાં અને દીકરાના 21 વર્ષ પહેલાં લગ્ન કરાવવું કાયદેસર ગુનો છે. આવા લગ્નોથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે અને તેમના ભવિષ્ય પર ગંભીર અસર થાય છે. આ કાયદા મુજબ, બાળલગ્ન કરાવનાર અથવા તેમાં સહભાગી થનારને 2 વર્ષ સુધીની સજા અને રૂપિયા 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
જિલ્લા તંત્ર દ્વારા સમૂહલગ્નના આયોજકો, સમાજના આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશનના વ્યવસાયીઓ અને ફોટોગ્રાફર્સને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ લગ્ન પહેલાં વર-કન્યાની ઉંમરનો પુરાવો ચોક્કસ તપાસે અને તેની ખાતરી કરે. જો કોઈ જગ્યાએ બાળલગ્ન થતું હોવાની જાણ થાય તો જવાબદાર નાગરિક તરીકે તાત્કાલિક નીચેના હેલ્પલાઇન નંબરો પર માહિતી આપવા અપીલ કરવામાં આવી છે: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી, મોરબી (02822 242533), જિલ્લા બાળ સુરક્ષા એકમ (02822 240098), ચાઇલ્ડ લાઇન 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100 અને મહિલા અભયમ હેલ્પલાઇન 181.
આવતી અખાત્રીજના દિવસે મોરબી જિલ્લો બાળલગ્નમુક્ત રહે અને બાળકોનું બાળપણ સુરક્ષિત રહે તે માટે તમામ નાગરિકોએ સક્રિય સહયોગ આપવો જોઈએ એવી અપીલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી છે.

