હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ શુક્રવારે કહ્યુ હતુ કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની ગેરેન્ટી આપનારો કાયદો શક્ય નથી, કારણ કે જો ખેડૂતોના પાક કોઈ અન્ય ખરીદતું નથી, તો સરકાર પર આમ કરવાનું દબાણ બનશે. કૃષિ કાયદાની વાપસી બાદ ખેડૂત સંગઠનો એમએસપી પર કાયદો બનાવવા માટે સરકાર પર દબાણ બનાવવામાં લાગી ગયા છે.
ખેડૂતો દ્વારા એમએસપી પર કાયદાની માગણીને લઈને જ્યારે ખટ્ટરને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ હતુ કે અત્યાર સુધી આના પર કોઈ ચર્ચા થઈ નથી. કૃષિ અર્થશાસ્ત્રીઓના પણ અલગ-અલગ વિચાર છે. આના પર કાયદો બનાવવો શક્ય લાગતો નથી. એમએસપી પર કાયદો શક્ય નથી, કારણ કે જો આમ કરવામા આવે છે તો સરકાર પર આ જવાબદારી આવશે કે જો કોઈ તેમના ઉત્પાદનને ખરીદતું નથી, તો સરકારને આમ કરવું પડશે.
ખટ્ટરે કહ્યુ છે કે સરકારને એટલી જરૂરિયાત નથી અને તેના પર સિસ્ટમ બનાવવું પણ શક્ય નથી. અમે જરૂરિયાત પ્રમાણે જ ખરીદી શકીએ છીએ। ખટ્ટરે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બેઠકબાદ ખટ્ટરે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે હરિયાણામાં વિકાસ યોજનાઓ સિવાય ઘણાં મુદ્દાઓ પર તેમની વાત થઈ. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે દિલ્હીમાં આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નિવાસસ્થાને પહોંચીને તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની સાથે હરિયાણામાં હાલના અને આગામી વિકાસ કાર્યોને લઈને ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ.