નવી દિલ્હી, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 10.30 કલાકે કોરોના પર ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકારના ટોચના અધિકારીઓ સામેલ થયા છે. કેબિનેટ સચિવ રાજીવ ગોબા, વડાપ્રધાનના મુખ્ય સચિવ પી. કે. મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ પંચના સદસ્ય ડૉ. વી. કે. પૉલ બેઠકમાં સામેલ થયા છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ અને વેક્સિનેશન પર ચર્ચા થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠક એવા સમયે આયોજીત કરી છે કે જ્યારે દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિએટે ચિંતા વધારી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં મળેલા મલ્ટિપલ મ્યુટેશનવાળા કોરોનાના વેરિએટથી દુનિયાભરના દેશોમાં ફફડાટ છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ફેક્શિયસ ડિસિઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં આ વેરિએન્ટના અત્યાર સુધીમાં 22 કેસ મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે અને આને વેરિએન્ટ ઓફ સીરિયસ કન્સર્ન ગણાવ્યો છે.
હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાલયલથી આવનારા પ્રવાસીઓની તપાસ માટે તમામ એરપોર્ટોને તાકીદ કરવામાં આવી છે, કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સાવધાનીઓ રાખવાના પણ નિર્દેશ આપી દીધા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયલથી આવનારા પ્રવાસીઓની સારી રીતે તપાસ કરવામાં આવે. કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે નહીં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્રમાં હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ છે કે પોઝિટિવ સેમ્પલ્સને તાત્કાલિક જીનોમ સિક્વેન્સિંગ કરવા માટે લેબોરેટરીને મોકલવામાં આવે. દેશના નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલે પણ આ વેરિએન્ટને લઈને સાવધ કર્યા છે.
સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં આ વેરિએન્ટના કેસ મળ્યા હતા. ત્યાં અત્યાર સુધીમાં આ વેરિએન્ટથી 77 લોકો ચેપગ્રસ્ત થયા છે. બોત્સવાનામાં પણ 4 લોકો આ વેરિએન્ટથી ચેપગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. ચિંતાજનક વાત એ છે કે બોત્સવાનામાં સંપૂર્ણપણે વેક્સિનેટેડ લોકો પણ તેની ઝપટમાં આવી ગયા છે. આ સિવાય હોંગકોંગમાં પણ નવા વેરિએન્ટના 2 કેસ મળ્યા છે. હાલ બંને દર્દીઓને આઈસોલેશનમાં મોનિટરિંગ હેઠળ રાખવામાં આવ્યા છે. ઈઝરાયલમાં પણ આ વેરિએન્ટથી ચેપગ્રસ્ત એક કેસની પુષ્ટિ થઈ છે. આ કોરોનાગ્રસ્ત વ્યક્તિ આફ્રિકાના મલાવીથી પાછા ફર્યા છે. એવું માનવામાં આવે છે કે વેક્સિનને ચીનમાં મળેલા વાઈરસના હિસાબથી બનાવવામાં આવી છે. પરંતુ સ્ટ્રેન તેના મૂળ વાઈરસથી અલગ છે. બની શકે છે કે આ વેરિએન્ટ પર વેક્સિન અસરકારક ન હોય. અસરકારક હોય તો પણ તેની અસર ઓછી હોઈ શકે છે. જો કે આના સંદર્ભે હજી કંઈપણ નક્કર જાણકારી નથી.