કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ મોટો દાવો કર્યો છે.તેમણે કહ્યુ છે કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર પડી જશે અને અહીં ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યુ છે કે ભાજપની સરકાર આવી જશે, તો તમને અપેક્ષિત ફેરફાર દેખાશે. શિવસેનાએ ભાજપ સાથે નાતો તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. આ ગઠબંધનનું નામ મહા વિકાસ અઘાડી નામ આપ્યું હતું.
તેમણે કહ્યુ છે કે આ વાત અંદરની છે, માટે હું તેને હાલ બહાર કાઢવા માંગતો નથી. સરકાર બનાવવાની હોય છે અથવા સરકાર પાડવાની હોય છે, તો કેટલીક વાત સિક્રેટ રાખવી પડે છે. તેમણે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલનું નામ લઈને કહ્યુ હતુ કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવવાની વાત તેમણે કહી છે. આ વાત તેમના મોંઢામાંથી નીકળી છે, તો તેને સાચી સાબિત કરવા માટે અમે કામ કરીશું.
તેની સાથે તેમણે ઉદ્ધવ ઠાકરે સંદર્ભે વાત કહી છે કે તેમની તબિયત ખરાબ છે, માટે હું કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી. પરંતુ ગઠબંધન સરકાર વધારે દિવસ નથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તાજેતરમાં કરોડરજ્જૂની સર્જરી થઈ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર પોલીસે એરેસ્ટ કર્યા હતા. પરંતુ કેટલાક કલાકોના હંગામા બાદ મોડી રાત્રે તેમને જામીન પણ મળી ગયા. 23 ઓગસ્ટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાનની નીચે બજાવવાનું નિવેદન આપ્યું હતું. તેના પછી આખા મહારાષ્ટ્રમાં શિવસૈનિકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું. ઘણાં જિલ્લાઓમાં નારાયણ રાણે સામે એફઆઈઆર પણ થઈ હતી. નાસિકમાં ભાજપના કાર્યાલય પર પથ્થરમારો પણ થયો, તો મુંબઈમાં નારાયણ રાણેના નિવાસસ્થાનની બહાર દેખાવ કરી રહેલા શિવસૈનિકો પર પોલીસને લાઠીચાર્જ કરવો પડયો.