ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લામાં આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન અને તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતગણતરી યોજાવાની છે.
ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ ‘ડ્રાય ડે’ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
- મતદાન પૂર્વે: તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૬ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી (મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી)
- મતગણતરીના દિવસે: તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના આખા દિવસે
જો કોઈ કારણસર પુનઃ મતદાન યોજાય તો તે દિવસે પણ ‘ડ્રાય ડે’ અમલમાં રહેશે.
આ સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાની સમગ્ર સીમામાં ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ તેમજ અન્ય કોઈપણ લાયસન્સ ધરાવતી સંસ્થાઓ દ્વારા દારૂનું વેચાણ કે પીરસવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વ્યક્તિગત રીતે દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા માટે પરમિટ ધરાવતી વ્યક્તિઓ પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે કે, આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારોને દારૂ કે અન્ય નશાયુક્ત પદાર્થોના પ્રલોભનથી બચાવીને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાનો છે.આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધનું પાલન કરે અને શાંતિપૂર્ણ તેમજ સ્વચ્છ ચૂંટણી પ્રક્રિયામાં સહયોગ આપે તેવી નાગરિકોને અપીલ કરવામાં આવી છે

