મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં ફરી એક વખત આગની ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બે અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના બનાવ સામે આવ્યા છે.
પ્રથમ ઘટના મોરબી શહેરના રવાપર-ઘૂનડા રોડ પર આવેલી લોટસ-158 સોસાયટીમાં બની હતી. અહીં એક એપાર્ટમેન્ટના મીટર રૂમમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં જોરદાર ભડાકો થયો અને તરત જ આગ ભભૂકી ઊઠી. આગ જોતાં આસપાસના એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિકોએ તરત જ મોરબી ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવી લીધો. આ ઘટનામાં કોઈ જાન-હાનિ થઈ નથી.
બીજી આગની ઘટના ગત રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી. રવાપર નજીક ઘૂટું ગામની હદમાં આવેલી રામકો વિલેજ સોસાયટીમાં સંજય કનુભાઈ મંજુરિયાના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી ગઈ. આગમાં ઘરનો મોટા ભાગનો સામાન બળીને ખાક થઈ ગયો. સદ્નસીબે ઘટના વખતે પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા, જેથી કોઈ જાન-હાનિ થઈ નથી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મોરબીમાં છેલ્લા સમયમાં આગની ઘટનાઓ વધી રહી છે. વીજળીના મીટર, વાયરિંગ અને ઘરગથ્થુ સાધનોની યોગ્ય તપાસ કરાવવા તેમજ આગ સામે સુરક્ષા માપદંડો અપનાવવાની અપીલ કરવામાં આવી છે.

