મોરબીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી-કચ્છ દ્વારા આયોજિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબી દ્વારા પ્રેરિત બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નો જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રવાપર રોડ પર આવેલા ઉમા હોલ ખાતે આયોજિત આ પુસ્તક મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન આપતા જીવનમાં પુસ્તકો અને વાંચન સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવી યુવા પેઢીને પુસ્તકપ્રેમી બનવા પ્રેરિત કર્યા હતા. તા. 29 અને 30 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી યોજાનાર આ મેળામાં શૈક્ષણિક, નવલકથા, કાવ્યો, આરોગ્ય, પ્રેરણાદાયી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવિધ પુસ્તકો ૪૦ ટકા સુધીના વળતર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેનો મહત્તમ લાભ લેવા પુસ્તકપ્રેમીઓ તથા સંસ્થાઓને અનુરોધ કરાયો છે.

