નવી દિલ્હી, ગુરુવાર
ભાજપે પોતાના રાજ્યસભાના સાંસદોને ત્રણ લિટીની વ્હિપ જાહેર કરતા 29 નવેમ્બરે ગૃહમાં હજાર રહેવા માટે નિર્દેશ આપ્યો છે. માનવામાં આવે છે કે સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે 29 નવેમ્બરે પાર્ટી ત્રણેય કૃષિ કાયદાની વાપસી માટે બિલ રજૂ કરે તેવી શક્યતા છે.
વ્હિપ પ્રમાણે, ભાજપના સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેના પ્રમાણે, સોમવારે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે અને તેને પારીત કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે ઘોષણા કરી હતી કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓને પાછા લેશે અને તેના માટે સંસદમાં જરૂરી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટે આના સંદર્ભેના પ્રસ્તાવ પર મંજૂરીની મ્હોર લગાવી દીધી હતી. સરકાર અને ખેડૂતોની વચ્ચે આ કૃષિ કાયદાઓને લઈને એક વર્ષથી ટકરાવ ચાલી રહ્યો હતો. પંજાબ,હરિયાણા અને યુપીના ખેડૂત ખાસ કરીને આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા. યુપી અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા સરકારે કાયદાઓને પાછા લઈને ખેડૂતોને મનાવવા અને રાજકીય નુકસાનથી બચાવવાની કોશિશ કરી છે.