વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીનું એવું કહેવું છે કે, તેઓ ખેડૂતોને સમજાવવામાં સફળ થયા નથી. એવામાં આ મહિનાના અંતમાં શરૂ થનારા સંસદીય સત્રમાં કાયદો પાછો ખેંચવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. કૃષિ કાયદા અંગે પીછેહટ પર હવે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રતિક્રિયા આપી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, જો કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં ન આવત તો એમની હાલત ઈન્દિરા ગાંધી જેવી થાત. સત્યપાલ મલિકના આ વીડિયો પર ફિલ્મનિર્માતા અશોક પંડિત ભડક્યા છે. આ વીડિયોમાં સત્યપાલ મલિક એ અંગે વાત કરી રહ્યા છે કે, હું એમને મળવા માટે ગયો હતો તો મેં એમને કહ્યું કે, તમે ખોટી માન્યતામાં છો. ના તો આ શિખોને હરાવી શકાય છે, એમના ગુરૂઓના ચાર પુત્રો એમની જ હાજરીમાં ખતમ થઈ ગયા હતા. પણ તેમણે કોઈ રીતે શરણાગતી સ્વીકારી ન હતી. જાટને પણ પરાસ્ત કરી શકાય એમ નથી. જો એવું વિચારતા હોવ કે એની મેળે જ તેઓ ચાલ્યા જશે તો એમને કંઈક આપીને મોકલી દો. બે કામ તો બિલકુલ ન કરતા.
Satyapal Malik (Governor of Meghalaya) says if @narendramodi would hv not repealed the #FarmLaws, he would hv faced the same consequences as Indira Gandhi, Gen Vaidya & Gen Dyer. He should be asked to resign for this irresponsible statement. @rashtrapatibhvn @HMOIndia pic.twitter.com/Gv832i5NRx
— Ashoke Pandit (@ashokepandit) November 21, 2021
એક કે આ લોકો પર કોઈ રીતે બળ પ્રયોગ ન કરતા. બીજું કે, ખાલી હાથ રવાના ન કરતા. કારણ કે આ સમુદાય એવી કોઈ વસ્તુ ઝડપથી ભૂલે એમ નથી. ઈન્દિરા ગાંધીએ જ્યારે અકાલ તખ્ત તોડ્યું હતું તો તેમણે ફાર્મ હાઉસ પર મહામૃત્યુંજયનો હવન કરાવ્યો હતો. તેમણે જ એવું કહ્યું હતું કે, હું દાવા સાથે કહું છું કે, આ મને મારશે. શિખોએ જનરલ વૈદ્યાને પૂણેમાં અને જનરલ ડાયરને લંડનમાં મારી નાંખ્યા. તમે એમના ધૈર્યની કસોટી ન કરો. તમારી પાસે પાવર છે, અભિમાન છે પણ તમને ખ્યાલ નથી કે, આનું પરિણામ શું હોઈ શકે છે?
જોકે, એમના આ વીડિયો પર ફિલ્મનિર્માતા ગુસ્સે ભરાયા છે. તેમણે ગૃહમંત્રાલયને ટેગ કરતા એક ફરિયાદ પણ કરી છે. અશોક પંડિતે રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન પર વાંધો ઊઠાવ્યો છે. નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એવું કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પાછા ન લીધા હોત તો એમની સ્થિતિ પણ ડાયર, ઈન્દિરા ગાંધી અને જનરલ વૈદ્ય જેવી થઈ જાત. પણ આ એક બિનજવાબદાર નિવેદન છે. આ માટે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.