રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખાએ ફરી એકવખત વાસી ફૂડ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં લારી પર તથા દુકાનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકાની ટીમે 40 વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન 12 પેકેટ વાસી બ્રેડ, 3 કિલો વાસી પિઝા, 5 કિલો પસ્તીનો નાશ કરાયો હતો. 17 વેપારીઓ પાસે લાયસન્સ પણ ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી.
બીજી તરફ ઈંડાની લારીઓ ઉપર પણ ચેકિંગ કરવામાં આવ્યું છએ. રૈયારોડ પર કરવામાં આવેલા ચેકિંગમાં ઈંડાનું વેચાણ કરતા આઠ વેપારીઓ પાસે ફૂડ લાયસન્સ ન હતું. જેને લઈને એને નોટિસ ફટકારવામાં આવી હતી. આરોગ્ય શાખાએ રૈયા રોડ પર હરભોલે ડેરીમાંથી મિશ્રિત દૂધ, હસનવાડી રોડ પર બલરામ ડેરીમાંથી દૂધના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આઝાદ ચોકમાં ઉભી રહેલી સહકાર મોગલાઈ, રૈયા રોડ પેટ્રોલ પંપ પાસે નૂર મોગલાઈ, લક્કી આમલેટ, યુનિવર્સિટી રોડ ગેઈટ પાસે ઈરફાન આમલેટ, રોયલ એગ્ઝ, મવડી કણકોટ રોડ પર શગુન સર્કલ પાસે જન્નત એગ્ઝ, સ્ટાર એગ્ઝ, સંજરી એગ્ઝના વેપારીઓને ફૂડ વિભાગે નોટિસ ફટકારી છે. જે લાયસન્સને લઈને હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુનિવર્સિટી રોડ પર છગનદાસ વધવા નામના વેપારીને ત્યાંથી બગડી ગયેલી બ્રેડના પેકેટ મળ્યા હતા. જેનો ત્યાં જ નાશ કરી દેવાયો હતો. શગુન સર્કલ પાસેથી ઈંડાની લારીમાંથી બ્રેડના વાસી પેકેટ મળ્યા છે. જેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.