મોરબીના રવાપર રોડ, કાલિકા પ્લોટ-2માં મોમાઈ કેડી પાસે રહેતા જીગરભાઈ રજાકભાઈ ડોસાણીએ આરોપીઓ દયારામભાઇ પુંજાભાઇ ડાભી, મુકેશભાઇ નારણભાઇ કંજારિયા, અલ્તાફભાઇ વલિભાઇ કોરડિયા, બળદેવભાઇ જાદવજીભાઇ વરસડા, કાંતીલાલ છગનભાઇ કાવર અને કાળુભાઇ લખમણભાઇ ગોલતર સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, અલ્તાફભાઈ વલીભાઈ કોરડીયા (હળવદ), કાંતિલાલ છગનભાઈ ટાવર અને કાળુભાઈ લખમણભાઈ ગોલતર (બંને ધાંગધ્રા)એ મળીને મોરબી તાલુકાના વજેપર સર્વે નં. 318 પૈકી 1 ખાતાની જમીનને લઈને છેતરપિંડી કરી છે.
આરોપીઓએ બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા (ધાંગધ્રા) માટે ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવી આપ્યા હતા. બળદેવભાઈએ રામજીભાઈ કાળાભાઈ દલવાડીનું ખોટું નામ ધારણ કરીને જમીનના સોદા માટે દલાલ તરીકે દયારામભાઈ પુંજાભાઈ ડાભી અને મુકેશભાઈ નારણભાઈ કનજારિયા સાથે મળીને ફરિયાદી પાસેથી જમીન વેચાણના બહાને રૂપિયા 1,11,000 લઈ લીધા હતા. આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

