મોરબી ખાતે ફરજ બજાવતા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના નાયબ નિયામક તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેક્ટર કમ ફેસીલીટેટર ફોર ફેક્ટરીઝ, વર્ગ-1 જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા અને આઉટસોર્સ ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા રૂ.25,000ની લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી ફેક્ટરી એક્ટ એડવાઇઝર તરીકે ફેક્ટરી એક્ટ હેઠળ કન્સલ્ટિંગનું કામ કરે છે. તેમના કન્સલ્ટિંગ કાર્ય અંતર્ગત ફેક્ટરીના નકશા મંજૂર કરાવવા તેમજ ફેક્ટરીઓમાં વિઝિટ દરમિયાન હેરાન-પરેશાન નહીં કરવા બદલ આરોપીઓ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
લાંચની માંગ કરવામાં આવતા ફરિયાદીએ સંબંધિત એજન્સીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રૂ.25,000ની લાંચની રકમ સ્વીકારતા જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા અને આઉટસોર્સ ડ્રાઇવર અજયસિંહ નાથુભા ઝાલા ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર મામલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

