બારમા જ્યોતિર્લિંગ પૈકીમાં એક ભગવાન કેદારનાથ મંદિરના દરવાજા ભાઈ બીજના તહેવારથી બંધ કરાયા છે. આ દિવસ પર વૈદિક મંત્રોચ્ચાર અને પૌરાણિક વિધિસર કપાટ બંધ કરી દેવાયા છે. જેથી હવે શિયાળામાં મંદિર બંધ રહેશે. જેના માટે ઉત્તરાખંડ દેવસ્થાનમ બોર્ડ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
શનિવારે બાબા કેદારની પંચમુખી જંગમ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથથી નીકળશે. જે વિવિધ સ્ટોપ પરથી રાત્રી રોકાણ માટે રામપુર પહોંચશે. ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે હજારો ભક્તો ધામમાં હાજર છે.દર વર્ષે મહાશિવ રાત્રીના તહેવાર પર વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના દરવાજા ખોલવાનું નક્કી કરવામાં આવે છે. જ્યારે, પૌરાણિક પરંપરા અનુસાર ભાઈ બીજના તહેવાર પર મંદિરના દરવાજા બંધ કરવાની તારીખ નક્કી કરવામાં આવે છે. આ વર્ષે પણ ભાઈ બીજના તહેવારના દિવસ પર કેદારનાથ ધામના દરવાજા શિયાળામાં બંધ હશે. આ માટે પૌરાણિક વિધિઓ પૂરી કરી દેવાય છે.
પંચમુખી ડોળી સાથે હજારો ભક્તો જોડાશે. શુક્રવારે ભગવાન પંચમુખી ઉત્સવની ડોળીને મુખ્ય પૂજારીના નિવાસસ્થાનેથી મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. ડોળીને ભવ્ય રીતે શણગારવામાં આવી હતી. દરવાજા બંધ કર્યા બાદ પંચમુખી ડોળી સાથે હજારો ભક્તો કેદારપુરીથી ઓમકારેશ્વર મંદિરની શિયાળાની બેઠક માટે આવશે અને શિયાળામાં ભગવાન કેદારનાથના દર્શન ઓમકારેશ્વર મંદિર ઉખીમઠમાં થશે.