મોરબીના માળિયા-હળવદ હાઈવે પર આવેલી એક હોટલ પાસે નાસ્તો કરવા ગયેલા ૨૮ વર્ષીય યુવાન પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ આર્થિક લેતીદેતી જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
મોરબીની પ્રભુ કૃપા ટાઉનશીપમાં રહેતો અનિલ હરિલાલ કંડિયા નામના 28 વર્ષીય યુવાન ગત મોડી રાત્રે તેના મિત્ર વિવેક અઘારા સાથે માળિયા-હળવદ હાઈવે પર નાસ્તો કરવા ગયો હતો. આ દરમિયાન અચાનક ધસી આવેલા ચાર અજાણ્યા શખ્સોએ કોઈ જૂની અદાવત કે નાણાકીય પ્રશ્ને અનિલ સાથે બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર (છરી) વડે અનિલ પર આડેધડ હુમલો કરી દીધો હતો.
હુમલાખોરોએ યુવાનના પડખાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં અનિલને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલા જ યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટનાની જાણ થતા જ માળિયા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકના મિત્ર અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો પૈસાની લેતીદેતીનો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે ફરાર ચારેય શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

