મોરબી શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પંચાસર રોડ પર રહેતા એક પ્રોઢને RTO ચલણના બહાને છેતરીને તેમના અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. ૩,૦૦,૦૦૦ની ઓનલાઇન લૂંટ ચલાવવામાં આવી છે. આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના પંચાસર રોડ પર આવેલી ધર્મસિધ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ. ૫૦) નામના પ્રોઢને સાયબર ગઠિયાઓએ પોતાના જાળમાં ફસાવ્યા હતા. ઠગોએ લાલજીભાઈના મોબાઈલ પર RTO ચલણ ભરવાનું હોવાનું જણાવી એક લિંક (APK ફાઈલ) મોકલી હતી. લાલજીભાઈએ આ ફાઈલ ઓપન કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.
મોબાઈલ હેક કર્યા બાદ ઠગોએ લાલજીભાઈના AU બેંકના એકાઉન્ટમાંથી રૂ. ૨,૯૫,૦૦૦ અને તેમના પત્નીના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૫,૦૦૦ મળીને કુલ રૂ. ૩,૦૦,૦૦૦ ફરિયાદીની જાણ બહાર ટ્રાન્સફર કરી લીધા હતા. આ રકમ કેનેરા બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંકના જુદા-જુદા ખાતાઓમાં જમા કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ બનાવ અંગે લાલજીભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ નવો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૪) તથા આઈટી એક્ટની કલમ ૬૬ (સી) અને (ડી) મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટની વિગતોના આધારે સાયબર ઠગો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલી એપ (APK ફાઈલ) કે લિંક પર ક્લિક ન કરવા અને મોબાઈલમાં કોઈ શંકાસ્પદ ફાઈલ ડાઉનલોડ ન કરવા સાયબર નિષ્ણાતો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે.

