શહેરી વિસ્તારમાં વધતી જતી ટ્રાફિક જામની અને પાર્કિંગ સમસ્યાને ધ્યાને લઇ રાજય સરકારે તમામ કોર્પોરેશન પાસે નવી પાર્કિંગ પોલીસી મંગાવી છે. રાજકોટ મહાનગરમાં ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યા જોતા ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને પાર્કિંગ પોલીસી તૈયાર કરવામાં આવી હતી. જે અંગેની દરખાસ્ત સ્ટે. કમીટીમાં આવતા જ રાજકોટમાં કયાંય પણ વાહન પાર્ક કરવા માટે ચાર્જ ચુકવવા, નવા વાહનની ખરીદી પૂર્વે મંજૂરી, રહેણાંક વિસ્તારમાં પણ ચાર્જ સહિતની વાહન ચાલકોની કમ્મર ભાંગતી જોગવાઇઓ હોવાનું જાહેર થયું હતું. શહેરના લોકો એક રીતે ઘર બહાર વાહન લઇ જાય એટલે સીધા ખંખેરાઇ જાય તેવી ભીતિ પણ ઉભી થઇ જતા ભાજપ શાસકોએ અંતે આ નવી નીતિને બ્રેક મારી દીધી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
નવી પોલીસીમાં રહેલી ધોકા લાગે એવી તમામ જોગવાઇ આજે મળેલી સ્ટે. કમીટીમાં રદ કરીને માત્ર પે એન્ડ પાર્કના નવા ચાર્જ મંજૂર કરવામાં આવ્યા છે. હાલની પે એન્ડ પાર્કની વ્યવસ્થા સિવાય કોઇ જગ્યાએ મનપા પાર્કિંગ ચાર્જ લેવાની નથી. ભવિષ્યમાં પણ પોલીસ અને આરટીઓની માંગણી મુજબ નવી પાર્કિંગ સાઇટ, પાર્કિંગ ઝોન સહિતની વ્યવસ્થા માટે મહાપાલિકા માત્ર સીવીલ અને એન્જીનીયરીંગ વર્કની ભૂમિકામાં રહેશે તેમ આજે મીટીંગ બાદ શહેરીજનોને રાહત આપતો નિર્ણય જાહેર કરતા ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું. ‘વજનદાર’ પાર્કિંગ પોલીસીના ઉંડા અભ્યાસ બાદ આજે સવારે મળેલી ભાજપ સંકલનની મીટીંગમાં ઉંડી ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરના રસ્તા પર હવે મફત પાર્કિંગ નહીં એ વ્યાખ્યા નીકળી ગઈ છે.
![](https://indiaexact.com/wp-content/uploads/2021/10/car-parking-1-1.jpg)
નવી પોલીસીમાં પ્રતિ કલાકના દર, ઓન સ્ટ્રીટ, ઓફ સ્ટ્રીટ, પ્રિમીયમ એરીયા, રેસીડેન્સ અને વર્ક ઝોન પરમીટ અને ચાર આંકડામાં મહિને ખર્ચ પહોંચે તેવા પાર્કિંગના દર સુચવવામાં આવ્યા હતા. પદાધિકારીએ જણાવ્યું હતું કે આ દરખાસ્ત આવી ત્યારે જ જણાવ્યું હતું કે આ પૂરી નીતિનો માત્ર ડ્રાફટ છે અને મનપા અમલવારી અંગે અંતિમ નિર્ણય કરશે. હાલ રાજકોટમાં પાર્કિંગ માટે જેટલા નિયમની જરૂર છે એ અમલમાં છે. પે એન્ડ પાર્કમાં પાર્કિંગના દર સુધારાયા છે. ટુ વ્હીલર માટે 3 કલાક સુધી રૂા.5 અને કાર માટે રૂા.20 નકકી કરાયા છે. 24 કલાક સુધીના દર તેમાં છે. તો મનપાના પ્લોટમાં પણ પાર્કિંગના દર નકકી કરાયા છે. જે આજે મંજૂર કરાયા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે રાજકોટમાં ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન ગંભીર જરૂર છે. પરંતુ લોકો પર મોટા બોજ પાડયા વગર ઉપાયો શોધવામાં આવશે.