HomeGujaratમોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસ પુરવઠાની સ્થિતિમાં સુધારો થવાનો દાવો : ગુજરાત ગેસ...

મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસ પુરવઠાની સ્થિતિમાં સુધારો થવાનો દાવો : ગુજરાત ગેસ તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી

યુએસ-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તનાવને કારણે ઉદ્ભવેલી LNG સપ્લાય ચેઇનની અડચણો અને તેના પરિણામે ગેસ પુરવઠામાં આવેલા અવરોધ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગને ટેકો આપવા ગુજરાત ગેસ લિમિટેડ (GGL) સતત પ્રયાસ કરી રહ્યું હોવાનો ગુજરાત ગેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાત ગેસ લિમિટેડે જણાવ્યું છે કે, કંપની મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો આપવા માટે સંપૂર્ણ અધિકૃત છે અને સિરામિક વિસ્તારમાં વ્યાપક ગેસ નેટવર્ક વિકસાવીને ઉદ્યોગની ગેસની જરૂરિયાતને પહોંચી વળવા તૈયાર છે.

ફેબ્રુઆરી ૨૦૨૬માં મોરબીમાં ૩૭૭ ગ્રાહકો ગુજરાત ગેસના PNGનો ઉપયોગ કરતા હતા, જ્યારે આશરે ૪૧૫ ગ્રાહકો પ્રોપેન ગેસ પર આધારિત હતા. પ્રોપેનનો વપરાશ નેચરલ ગેસની સરખામણીમાં અંદાજે ૫.૬ MMSCMD હતો. આમ, કુલ ઇંધણ માંગનો લગભગ ૭૦% ભાગ પ્રોપેન દ્વારા પૂરો પાડવામાં આવતો હતો.માર્ચ ૨૦૨૬ની શરૂઆતમાં ગેસ પુરવઠામાં વધારો થયો હતો, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષને લીધે LNG સપ્લાયમાં અવરોધ સર્જાતાં, ભારત સરકારે ૯ માર્ચની ગેઝેટ સૂચના અનુસાર છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશના માત્ર ૮૦% સુધી જ પુરવઠો મર્યાદિત કર્યો હતો.

આ પરિસ્થિતિને કારણે કાચા માલના ખર્ચમાં વધારો, પ્રોપેન પર નિયંત્રણ અને પરિવહન ખર્ચ વધતાં માર્ચના બીજા પખવાડિયાથી અનેક સિરામિક એકમોએ સ્વૈચ્છિક રીતે ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.ગુજરાત ગેસે આ મુશ્કેલ સમયમાં સિરામિક એકમો સાથે સતત વાતચીત કરીને પ્રોપેનના વિકલ્પ તરીકે વધારાનો નેચરલ ગેસ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો કર્યા છે. એપ્રિલ ૨૦૨૬ દરમિયાન કંપનીએ સરકારના માર્ગદર્શન મુજબ પુરવઠો ચાલુ રાખ્યો છે અને મધ્ય પૂર્વ સિવાયના વિસ્તારોમાંથી સ્પોટ માર્કેટમાંથી વધારાનો ગેસ મેળવીને પુરવઠાની સાતત્યતા જાળવી રાખી છે.

હાલમાં ગુજરાત ગેસ અને મોરબી સિરામિક એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે. વર્તમાનમાં મોરબીમાં ૧૪૨ સિરામિક એકમો કાર્યરત છે.

મે ૨૦૨૬ માટે LNGના આંતરરાષ્ટ્રીય ભાવ હજુ પણ ઊંચા સ્તરે (લગભગ $18–20 પ્રતિ MMBtu) હોવા છતાં, ગુજરાત ગેસ મોરબીના વધુ ઉદ્યોગોને ફરી શરૂ કરવામાં મદદ કરવા અને દરેક એકમને તેની જરૂરિયાત મુજબ ગેસ પુરવઠો આપવા માટે સંપૂર્ણ તૈયાર છે.

ગુજરાત ગેસની સ્થાનિક તેમજ કોર્પોરેટ ઓફિસ મોરબી સિરામિક એસોસિએશન સાથે શરૂઆતથી જ સતત સંપર્કમાં છે. ગેસ પુરવઠાની સ્થિરતા, કિંમતો, તબક્કાવાર ઉત્પાદન પુનઃશરૂ કરવું અને સામાન્ય વપરાશ તરફ પાછા ફરવા જેવા મુદ્દાઓ પર સતત ચર્ચા અને કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાત ગેસ લિમિટેડે મોરબી સિરામિક ઉદ્યોગને આ પડકારજનક સમયમાં સંપૂર્ણ સહકાર આપવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી છે. કંપનીનું કહેવું છે કે, સંયુક્ત પ્રયાસો અને પરસ્પર સહકારથી આ તકલીફોને પાર કરીને ઉદ્યોગને વધુ મજબૂત બનાવી શકાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW