મોરબીના સનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એકલી અને ગભરાયેલી હાલતમાં બેઠેલી અજાણી કિશોરીને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે મદદ કરી સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપી હતી. કિશોરી માનસિક તણાવમાં હોવાની જાણ થતાં જ અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે, સનાળા રોડ પર નાયરા પેટ્રોલ પંપ સામે એક અજાણી કિશોરી એકલી બેઠી છે. તે પોતાનું સરનામું પણ યોગ્ય રીતે જણાવી શકતી નથી અને ખૂબ જ ગભરાયેલી હાલતમાં છે. જેથી તેની મદદ માટે 181ની ટીમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ 181ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ કાજલબેન અને પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ કિશોરીને સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી. ટીમે સૌપ્રથમ તેને સાંત્વના આપી વિશ્વાસમાં લીધી હતી અને ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરીને તેની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું હતું કે, તે મૂળ છત્તીસગઢ રાજ્યની રહેવાસી છે અને તેના માતા-પિતા તથા ભાઈ-બહેન ત્યાં રહે છે. છેલ્લા 15 દિવસથી તે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ચોકડી નજીક આવેલી પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં તેની બહેન અને બનેવીના પરિવાર સાથે રહેતી હતી. કિશોરીના જણાવ્યા મુજબ, બહેન અને બનેવી દ્વારા નાની-નાની બાબતોમાં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત અપશબ્દો બોલવા અને મારઝૂડ કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ તેણે કર્યા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને તે કોઈને જાણ કર્યા વગર પોતાની મરજીથી ઘરેથી નીકળી ગઈ હતી.
કિશોરીને કંપનીનું નામ કે ચોક્કસ સરનામું યાદ ન હોવાથી પરિવારનો સંપર્ક મેળવવામાં મુશ્કેલી પડી હતી. જોકે, 181ની ટીમે સતત પ્રયાસો કરીને કિશોરીની માતાનો સંપર્ક નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેની માતા અને બનેવી સાથે વાતચીત કરી જરૂરી ઓળખના પુરાવા મેળવવામાં આવ્યા હતા. પુરાવાની ખરાઈ કર્યા બાદ ટીમ કિશોરીના બનેવી જ્યાં કામ કરતા હતા તે કંપનીએ પહોંચી હતી.
પરિવારજનોએ જણાવ્યું હતું કે કિશોરી બપોરના સમયે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ પરિવાર દ્વારા મોરબી, વાંકાનેર અને ટંકારા સહિતના વિસ્તારોમાં તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ સમગ્ર મામલે 181 અભયમની ટીમે પરિવારજનોને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું. કિશોરી સાથે મારઝૂડ કે માનસિક ત્રાસ ન આપવા તેમજ તેની લાગણીઓ અને મુશ્કેલીઓને સમજવા માટે પરિવારને ખાસ સમજાવવામાં આવ્યો હતો. સાથે જ જરૂર પડ્યે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અંગે કાયદાકીય માહિતી પણ આપવામાં આવી હતી.
આખરે કિશોરીએ પરિવાર સાથે રહેવાની તૈયારી દર્શાવતા 181ની ટીમે તેને સુરક્ષિત રીતે તેની બહેન અને બનેવીને સોંપી હતી. લાંબા સમય બાદ કિશોરી હેમખેમ મળી આવતા પરિવારજનોએ 181 અભયમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


