સરકાર તરફથી ઈલેકટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકાર દેશભરમાં મોટી સંખ્યામાં ચાર્જીંગ સ્ટેશનો શરૂ કરવાનું આયોજન કરી રહી છે. આ મામલે સુરત મહાનગરપાલિકા પણ પાછળ નથી. પર્યાવરણની જાળવણીમાં ઉપયોગી એવા ઈલેકટ્રીક વાહનોનો વપરાશ વધે. લોકો ઇ-વ્હીકલ વાપરતા થાય તે માટે શહેરભરમાં ચાર્જીંગ સ્ટેશનો શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. શહેરમાં પાંચ વર્ષમાં 500 ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સુરત મનપાએ ઈ-વ્હીકલનો વપરાશ ગત વર્ષથી શરૂ કર્યો છે. શહેરભરમાં મનપા સંચાલિત સીટી બસમાં અનેક ઈ-બસો દોડતી થઈ છે. આગામી દિવસોમાં સુરત મનપા ઈ-બસોની સંખ્યામાં વધારો કરવાના મૂડમાં છે. સુરત મનપાએ આગામી પાંચ વર્ષમાં શહેરભરમાં પ00 જેટલા ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન કર્યું છે. જેમાં 200 જેટલા સરકારી ગ્રાન્ટમાંથી અને 300 જેટલા સ્ટેશન પીપીપી ધોરણે શરૂ કરવાનું આયોજન છે. મનપાના આયોજનમાં એક ચાર્જીંગ સ્ટેશન માટે રૂ. 30 લાખનો અંદાજીત ખર્ચ છે. જેમાં સરકારી 70 ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. ચાર્જીંગ સ્ટેશન માટે 250 ચોરસમીટરની જગ્યાની જરૂર રહેશે.

આ તો થઇ સરકારી ગ્રાન્ટ સંચાલિત ચાર્જીંગ સ્ટેશનની હવે જયારે પીપીપી મોડલ આધારિત ચાર્જીંગ સ્ટેશનમાં વીજકંપની સાથે કરારમાં મનપા નોડલ અધિકારીની ભૂમિકા ભજવશે.મનપા દ્વારા શહેરભરમાં ઇ-બસ દોડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કેટલાક નાગરિકોએ ઇલેકટ્રીક ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પણ ચલાવવાની શરૂઆત કરી છે. પરંતુ હજુ જોઇએ તેટલી જાગૃત્તિ લોકોમાં આવી નથી. આ મામલે ચાર્જીંગ સ્ટેશનની અછત મોટી મુશ્કેલી છે. ચાર્જીંગ સ્ટેશન ઉભા થશે તો લોકો આપોઆપ ઇ-વ્હીકલ તરફ ઢળે તેવી સંભાવના છે. મનપા શહેરભરના દરેક ઝોનમાં 50 ચાર્જીંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન કર્યું છે.