કેન્દ્રીય ગૃહ,સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગર તેમના સંસદીય વિસ્તારમાં કલોલ તાલુકાના પાનસર ગામમાં તળાવના બ્યુટીફિકેશન કામનું ખાત મુહૂર્ત, આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ સહિત જિલ્લામાં રૂ 10.59 કરોડના ખર્ચે 143 જ જનસુવિધાના કાર્યોનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું. તે પૂર્વે અમિતભાઈ શાહે માટી કામ સાથે જોડાયેલ નાગેશ્વર સખી મંડળની બહેનોના સ્વસહાય જૂથના આર્થિક ઉત્થાન હેતુ બહેનો દ્વારા સંચાલિત ટી સ્ટોલનું લોકાર્પણ ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે કર્યું હતું. શાહે પાનસર ખાતેના કાર્યક્રમમાં સમગ્ર દેશ અને ગુજરાતની જનતાને માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીની શુભકામનાઓ પાઠવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં અવ્વલ રહે અને માં જગત જનનીની કૃપા સદૈવ ગુજરાત અને દેશ પર બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત કુંભાર સમુદાયના લોકોના સશક્તિકરણ માટે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુસર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કાર્યરત ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ આવા કારીગરોને માટીના વાસણો બનાવવાની તાલીમ આપીને પ્રશિક્ષિત કરાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત માં રાજ્યની ભાજપ સરકારે પાનસર ગામને સુસજજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ભેટ આપી છે. જે સર્વે ગ્રામજનોના આરોગ્યની સાર સંભાળમાં અત્યંત ઉપયોગી બનશે. આ ઉપરાંત ચારથી પાંચ કરોડના ખર્ચે પાનસર ગામ તળાવ વિકસિત કરવામાં આવશે. આ બધી વ્યવસ્થાઓના પરિણામે પાનસર ગામ તળાવ ગામનું ધબકતું હૃદય અને લોકોની પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર સ્થાન બનશે. તેઓએ લોકોને વેકસીનના બન્ને ડોઝ લેવા આગ્રહ કર્યો હતો. શાહે કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બને તે માટેના ચોક્કસ દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે પ્રત્યેક ગામમાં નાના પણ માળખાગત સુવિધાઓ માટે આવશ્યક અને વિકાસના એવા તમામ કામોની ચિંતા કરીને તે પૂર્ણ થાય તે માટેના સુનિશ્ચિત પ્રયાસો થઈ રહ્યા છે.શાહે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના અને સુશાસનના 20 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ અને સુશાસનનો એક અનોખો પથ ગુજરાત અને સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કર્યો છે. તેમ કહ્યું હતું.
શાહે અંતમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પ શક્તિ અને જનસેવાના ભેખના પરિણામે દેશના 60 કરોડ લોકોને બેંક એકાઉન્ટ, 13 કરોડ લોકોને ગેસ સુવિધા, 10 કરોડ પરિવારોને શૌચાલય, 5 કરોડ પરિવારોને વીજળી અને હવે પ્રત્યેક ઘરને નલ સે જલ અભિયાન થકી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ભગીરથ કાર્યો આગળ ધપી રહ્યા છે. જે પાછલા સાત દાયકામાં ન થયા એવા અકલ્પનીય જન જનની સુખાકારીના કાર્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સંપન્ન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકાભિમુખ શાસન થકી વિકાસના અને જન કલ્યાણના એક નવા યુગની શરૂઆત કરી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપા કલોલ તાલુકા ભાજપ, કલોલ શહેર ભાજપના હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય, સામાજિક અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.