તા. 8 ઑક્ટોબર દર વર્ષે ઈન્ડિયન એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. દુનિયા સૌથી શક્તિશાળી વાયુ સેનાની વાત થાય છે ત્યારે ભારતીય વાયુ સેનાનો અચૂક ઉલ્લેખ કરવામાં આવે છે. અનેક વખત ભારતીય વાયુ સેનાના મોટા પરાક્રમો જોવા મળ્યા છે. તા.8 ઑક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુ સેનાની સ્થાપના કરવામાં આવી હતી. તેથી દર વર્ષે 8 ઑક્ટોબરના રોજ ભારતીય વાયુ સેના દિવસ ઉજવવામાં આવે છે.
દેશ સ્વતંત્ર થયો એ પહેલા વાયુસેના રોયલ ઈન્ડિયન એરફોર્સ તરીકે જાણીતી હતી. આઝાદી બાદ રોયલ શબ્દ દૂર કરી દેવામાં આવ્યો અને ઈન્ડિયન એરફોર્સ કરી દેવામાં આવ્યું. તા.1 એપ્રિલ 1933ના રોજ આ સૈન્યની પહેલી ટુકડી તૈયાર થઈ હતી. જેમાં 6 IAF ટ્રેન્ડ ઓફિસર અને 19 સિપાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઝાદી પહેલા વાયુ સેના આર્મી અંતર્ગત કામ કરી રહી હતી.
એરફોર્સને આર્મીમાંથી અલગ કરવાનો શ્રેય એર માર્શલ સર ડબલ્યુ એલ્મહર્સ્ટને જાય છે. જેને ભારતીય વાયુ સેનાના પહેલા ચીફ ઓફિસર માનવામાં આવે છે. તા.15 ઓગસ્ટ 1947થી તા.22 ફેબ્રુઆરી 1950 સુધી તેઓ આ પોસ્ટ પર રહ્યા હતા. નભઃ સ્પૃશં દીપ્તમ એ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય છે. જેને ભગવદ ગીતાના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. મહાભારતના યુદ્ધ વખતે કુરૂક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલા ઉપદેશનો એક અંશ છે. વર્ષ 1951માં ભારતીય વાયુસેનાના ધ્વજને સ્વીકૃતિ મળી હતી.