મોરબી પંથકમાં માવઠા અને બદલાયેલા હવામાનની આગાહીઓ વચ્ચે ઘઉંની સીઝન હવે સોળે કળાએ ખીલી છે. ખેતરોમાં કાપણી પૂર્ણ થતા જ મોરબી માર્કેટિંગ યાર્ડ ઘઉંની આવકથી છલકાયું છે. જોકે, મબલખ આવક સામે પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. યાર્ડ દ્વારા સીઝનના સૌથી ઉંચા ભાવ આપ્યાનો દાવો કરાયો છે, જ્યારે ખેડૂતો તેને પૂરતા ગણાવી રહ્યા નથી. ગત 4 માર્ચથી યાર્ડમાં ઘઉંની આવકનો પ્રારંભ થયો હતો. વચ્ચે માવઠાને કારણે પ્રક્રિયા ધીમી પડી હતી, પરંતુ હવે મોટાભાગના ખેતરોમાં કાપણી પૂર્ણ થતા યાર્ડમાં ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે જાહેર થયેલા ભાવપત્રક મુજબ, યાર્ડમાં એક જ દિવસમાં 12,800 મણ ઘઉંની આવક નોંધાઈ છે. ખેડૂતોને અત્યાર સુધીના સૌથી ઉંચા રૂ. 580 ના ભાવ ચૂકવવામાં હોવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે. ઘઉંની ગુણવત્તા (ક્વોલિટી) મુજબ ભાવ નક્કી થતા હોય છે. જો માલ સર્વોત્તમ હોય તો ઉંચા દામ મળે જ છે.
સામે પક્ષે ખેડૂતોમાં જબરી નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ:
-
બજારમાં વેપારીઓ ઘઉંના રૂ. 600 થી 650 વસૂલે છે.
-
તેની સામે યાર્ડમાં સરેરાશ રૂ. 427 થી 470 જેવા તળિયાના ભાવ મળે છે.
-
₹580નો ભાવ જૂજ ખેડૂતોને જ મળે છે.
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા અને મજૂરીના ખર્ચ સામે આ ભાવ ખૂબ જ ઓછા છે. જો મણદીઠ ઓછામાં ઓછા ₹650 ભાવ મળે તો જ રાત-દિવસની મહેનત લેખે લાગે તેમ છે. હાલના નીચા ભાવને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

