નવરાત્રિના પ્રથમ દિવસે જ પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો થતાની સાથે જ મહાનગર અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 100 રૂપિયાની પાર થઇ ગયુ છે. જ્યારે ડીઝલ ભાવનગરમાંથી રૂ.100 ને પાર થયું છે. રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર અમદાવાદમાં પેટ્રોલ 100 રૂ.ને પાર થયું છે. અમદાવાદમાં એક લિટર પેટ્રોલનો ભાવ 100.13 પૈસા થઇ ગયો છે. પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો નોંધાયો હતો.
પેટ્રોલ અને ડીઝલના રીટેલ ભાવમાં કેન્દ્રની એક્સાઈઝ ડયુટી ઉપરાંત વેટ અને ફ્રેટ ચાર્જીસ, અન્ય સ્થાનિક કરની અસરના કારણે દેશના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ રહે છે. દેશમાં ઈંધણ પર સૌથી વધુ વેટ રાજસ્થાનમાં હોવાથી ત્યાં ઘણા સમય પહેલાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. રાજસ્થાન બાદ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર ગયો હતો. ડીઝલની કિંમતમાં 35થી 38 પૈસાનો વધારો થતાં ભાવનગરમાં ડીઝલ રૂ.100ને પાર થયું છે. જ્યારે અમદાવાદમાં ડીઝલની કિમત રૂ. 98.90 રહી છે.
રાજ્યના અન્ય બે મહાનગર સુરત અને વડોદરામાં પણ પેટ્રોલના ભાવમાં થોડા પૈસાનું જ છેટું રહ્યું છે. આ બંને શહેરમાં પણ પેટ્રોલ સદી મારવાની તૈયારીમાં છે.સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ખંભાત, ધંધુકા, દાંતીવાડા, પાલનપુર, ધનસુરા, પ્રાંતિજ, માંડલ અને ભુજમાં પણ પેટ્રોલ રૂ.100ને પર થયું છે. ભાવનગરમાં પેટ્રોલ રૂ.101.73 અને ડીઝલ રૂ.100.58 છે. દેશના મોટા શહેર ભોપાલ અને હૈદરાબાદમાં ડીઝલમાં રૂ.100ને પાર થયા છે.