લંડન, સોમવાર
બ્રિટનમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિએન્ટથી ચેપગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. વડાપ્રધાન બોરિસ જોનસને આની જાણકારી આપી છે. પશ્ચિમ લંડનમાં પેડિંગ્ટનની નજીક એક વેક્સિનેશન ક્લિનિકની મુલાકાતે ગયેલા બોરિસ જોનસને કહ્યુ છે કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટથી ચેપગ્રસ્ત એક દર્દીનું મોત નીપજ્યુંછે.
તેમણે કહ્યુ છે કે અફસોસની વાત છે કે ઓમિક્રોનના કારણે લોકો હોસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે અને દુખની વાત છે કે ઓમિક્રોનથી પીડિત એક દર્દીના મોતની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યુ છે કે મને લાગે છે કે જો આપણે વિચારી રહ્યા છીએ કે આ વાઈરસ માઈલ્ડ છે, એટલો ખતરનાક નથી, તો મને લાગે છે કે આપણે આવા વિચારને હાલપૂરતો ત્યાગવો જોઈએ અને ઝડપથી ફેલાનારા આ વાઈરસની ગતિને ઓળખવી જોઈએ। આ ઘણો ઝડપથી લોકોની વચ્ચે ફેલાય રહ્યો છે અને સૌથી જરૂરી બાબત એ છે કે આપણે સૌએ બૂસ્ટર ડોઝ લેવો.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ઓમિક્રોન વેરિએન્ટની ખતરનાક લહેરનો મુકાબલો કરવા માટે એક મહત્વકાંક્ષી કોવિડ બૂસ્ટર શોટ પ્રોગ્રામની શરૂઆત કરી છે. આ વેરિએન્ટના ફેલાવાનો દોર ઘણો વધારે છે. જેમ જેમ બ્રિટનમાં ઓમિક્રનના કેસ વધી રહ્યા છે, તેમ તેમ બ્રિટનમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય બ્રિટનના ભીડવાળા વિસ્તારોમાં જવા માટે વેક્સિન પાસપોર્ટને અનિવાર્ય બનાવી દેવામાં આવ્યો છે. એક અભ્યાસ પ્રમાણે, ઓમિક્રોનથી બ્રિટનમાં 70 હજાર સુધીની સંખ્યામાં લોકોના મોતની આશંકાઓ વ્યક્ત કરાય છે.

