સોલા ઉમિયા કેમ્પસ ખાતે ઊંઝા ઉમિયાધામ સંસ્થા દ્વારા સોલામાં પણ ઉમિયાધામનો પ્રોજકટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ઉમિયામાતાનું મંદિર બનાવવામાં આવશે સાથે હોસ્ટેલ, પાર્ટી પ્લોટ, હોલ, કેન્ટીન બનાવવામાં આવશે. ઉમિયાધામના નિર્માણનો શિલાન્યાસ મહોત્સવ ચાલી રહ્યો છે, જેનો આજે બીજો દિવસ છે. જેમાં લક્ષ ચંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો છે.

પ્રથમ દિવસ શિલાયાન્સ મહોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ આજે બીજા દિવસે પણ શિલાયન્સ મહોત્સવને લઈને લક્ષ ચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ યજ્ઞમાં સંસ્થાના અગ્રણી અને ભાજપના આગેવાન બાબુ જમના પટેલ મુખ્ય મહેમાન બન્યા છે. ઉપરાંત સમાજના અન્ય આગેવાનો સહિત 101 યજ્ઞના યજમાન બન્યા છે. સવારથી જ મંત્રોચ્ચાર સાથે યજ્ઞ શરૂ થયો છે.આજના દિવસે માત્ર લક્ષ ચંડી કાર્યક્રમ યોજશે. જે બાદ આવતીકાલે શીલપૂજન કાર્યક્રમ યોજાશે. કાલે શિલાયન્સ મહોત્સવનો અંતિમ દિવસ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિઓ કોન્ફરન્સથી સંબોધન કરી શકે છે. જે બાદ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવશે અને 4 વર્ષમાં 1500 કરોડનો પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે.

