મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં નજીવી બાબતને લઈને બે પક્ષ વચ્ચે મારામારી અને તકરારનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બંને પક્ષોએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક તરફ, સોસાયટીમાં રહેતા નિવૃત્ત એએસઆઈ મહેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ, ઋત્વિકભાઈ ધીરુભાઈ ગોસ્વામી, સુલતાનસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પુત્રએ સોસાયટીના ચોકમાં જુગાર અને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન તેઓ તેમના પુત્ર પર લોખંડના પાઇપ વડે હુમલો કરવા જતાં ફરિયાદી વચ્ચે પડ્યા હતા. જેમાં ફરિયાદીને ડાબા હાથમાં ઇજા પહોંચી હતી. ઉપરાંત ફરિયાદી અને તેમના સાથી કુલદીપસિંહ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ, જમીન દલાલીનો વ્યવસાય કરતા ઋત્વિકભાઈ ધીરુભાઈ ગોસ્વામીએ કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, સોસાયટીના ગરબી ચોકમાં બેસવા જેવી સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ આરોપીએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છરી વડે હુમલો કરતા તેમના હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી અને ચાર ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

