મોરબીમાં તબીબોના માનસિક સ્વાસ્થ્ય અને તણાવમુક્તિ અંગે જાગૃતિ લાવવાના હેતુથી “હીલિંગ ધ હીલર્સ” વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુ મિલન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના 55થી વધુ તબીબોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
આ કાર્યક્રમ આઈએમએ (IMA) મોરબીના પ્રમુખ ડો. સુષ્માબેન તથા આઈએમએના સેક્રેટરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સતત દર્દીઓની સેવા આપતા તબીબો માટે પોતાના માનસિક આરોગ્ય અને આંતરિક શાંતિ જાળવવી આજના સમયમાં ખૂબ જ જરૂરી બની છે.
સેમિનારમાં બ્રહ્માકુમારીઝના બી.કે. ઉજ્જવલા દીદી, બી.કે. અલ્કા દીદી અને બી.કે. ડો. જીજ્ઞાસાબેન મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તબીબોને વ્યસ્ત જીવનશૈલી અને સતત કામના દબાણ વચ્ચે તણાવનું સંચાલન કેવી રીતે કરવું, આંતરિક સંતુલન કેવી રીતે જાળવવું તેમજ ધ્યાન અને મેડિટેશન દ્વારા સ્વયંને માનસિક રીતે સશક્ત અને ઊર્જાવાન કેવી રીતે રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન તબીબોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો અને ઉપસ્થિત ડોક્ટરોએ આ પ્રકારના સેમિનારને સમયની માંગ ગણાવી હતી. કાર્યક્રમ તબીબો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થયો હતો.

