અમદાવાદ,શનિવાર
ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે. 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અમિત શાહ સાથે સ્ટેજ પર જોવા મળ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.
1500 કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું. આ ભવ્ય મંદિર જ્યારે પણ બને ત્યારે મને બોલાવજો હું નિશ્ચિંતપણે આવીશ. મોદીજીએ ભૂલાયેલા આપણા મંદિરોના જિર્ણોદ્ધારનું કામ શ્રદ્ધા સાથે શરૂ કર્યું છે. કેદારનાથમાં પુરથી બધું તહસનહસ થઈ ગયું હતું. પણ મોદીજીએ ત્યાં અધ્યતન કેદારનાથની સ્થાપના કરી કરોડો હિન્દુઓના શ્રદ્ધા કેન્દ્રને ફરીથી જીવંત કરી દીધું. ઓરંગઝેબના જમાનામાં ક્ષતિ પામેલું કાશી વિશ્વનાથનું મંદિરનો ફરીવાર જિર્ણોદ્ધાર થશે,. ઉમિયામાતા ઉંઝા સંસ્થાનમાંથી અનેકવિધ સમાજોએ શિક્ષા લેવા જેવી છે. પહેલાં જ્યોતિ રથ, ઠેર ઠેર સ્થપાતા ઉમિયા માતાના મંદિરો અને સમાજના દાતાઓથી જે દાન ભેગું થયું. એનાથી સમાજમાં કોઈની પણ જરૂરિયાત પુરી થયા વિના ના રહે. એ પ્રકારની એક સામાજિક વ્યવસ્થા ઉભી કરવાનું, વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉભી કરવાનું કામ ઉમિયા સંસ્થાન ઊંઝાએ કર્યું છે.
પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશે. પાટીદાર સમાજે પુરૂષાર્થની પરાકાષ્ઠા કહી છે. 100 વર્ષની અંદર કોઈ સમાજ પોતાના અધ્યયનથી, પોતાની બુદ્ધિમત્તાથી ના કેવલ સમાજને આગળ વધારે, કોઈ દેશ કે પ્રદેશની અંદર કેવું ઉદાહરણ મેળવી શકે તેનું ઉદાહરણ જોવું હોય તો પાટીદાર સમાજના ઉત્થાનની ગાથા લખવી પડે. હું એવું માનું છું કે, પાટીદાર સમાજનો ઉત્કર્ષ અને વિકાસ તથા ગુજરાતનો ઉત્કર્ષ અને વિકાસ એક સાથે જોડીએ તો બંનેના ગ્રાફ સમાંતર જાય છે.

