વાંકાનેર તાલુકાના સરધારકા ગામમાં ઘેટા-બકરા ચરાવવાની બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમતા એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સરધારકા ગામના રહેવાસી અને પશુપાલનનો વ્યવસાય કરતા નાથાભાઈ મૈયાભાઈ મુંધવાએ ગામના જ જયરાજસિંહ બટુકસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર નાથાભાઈ પોતાના ઘર નજીક આવેલા વાડામાં ઘેટા-બકરા બાંધી રહ્યા હતા ત્યારે આરોપી ત્યાં આવી ઘેટા-બકરા કેમ નથી ચરાવતા તે મુદ્દે ઉશ્કેરાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ અપશબ્દો બોલી ફરિયાદી પર હુમલો કર્યો હતો.
આરોપ છે કે આરોપીએ ફરિયાદીને છાતી અને શરીરના અન્ય ભાગોમાં મુક્કા અને લાતો મારી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, પોતાની સફેદ રંગની કારમાંથી લોખંડનો પાઇપ લાવી ફરિયાદીના ડાબા હાથના કાંડા પર ફટકો મારતાં તેમને ઈજા થઈ હતી અને લોહી નીકળ્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે હુમલા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

