નવી દિલ્હી, શુક્રવાર
કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન દુનિયાના ઘણાં દેશો સુધી પહોંચી ચુક્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં ઓમિક્રોનને લઈને દેશમાં તાજેતરની સ્થિતિ બાબતે જાણકારી આપી છે. હેલ્થ મિનિસ્ટ્રીની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. જે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, તે તંજાનિયાથી પાછો ફર્યો હતો. આમ હવે દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કુલ કેસની સંખ્યા 26ની થઈ છે.
ઓમિક્રોનના સૌથી પહેલા બે મામલા કર્ણાટકમાં સામે આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કુલ મળીને 59 દેશોમાં આ વેરિએન્ટ ફેલાય ચુક્યો છે અને તેના કુલ 2936 કેસ સામે આવી ચુક્યા છે. 24 નવેમ્બરે પહેલો કેસ આ વેરિએન્ટનો સામે આવ્યો હતો. આ કેસ દક્ષિણ આફ્રિકાના ગોટેંગ પ્રાંતમાં સામે આવ્યો હતો. 26 નવેમ્બરે તેને ડબ્લ્યૂએચઓ દ્વારા વેરિએન્ટ ઓફ કંસર્ન ઘોષિત કરવામાં આવ્યો હતો. કુલ 2936 નવા વેરિએન્ટના કેસમાં સૌથી વધુ યુકેમાં 817, ડેનમાર્કમાં 796 અને દક્ષિણ આફ્રિકામાં 431 કેસ મળ્યા છે. કેનેડામાં 78, અમેરિકામાં 71, જર્મનીમાં 65, દ.કોરિયામાં 60 કેસ આવી ચુક્યા છે. તો ઓસ્ટ્રેલિયામાં 52, ઝિમ્બાબ્વેમાં 50, ફ્રાંસમાં 42, પોર્ટુગલમાં 37, નેધરલેન્ડમાં 36, નોર્વેમાં 33, ઘાનામાં 33 અને બેલ્જિયમમાં 30 કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે જ્યારથી આ વેરિએન્ટના કેસ ભારતમાં સામે આવ્યા છે, ત્યારબાદ ભારતમાં ટ્રાવેલ એડવાઈઝરી બદલવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વેરિએટને લઈને યોગ્ય દિશાનિર્દેશ જાહેર કર્યા છે. નવી ઈન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરી લાગુ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલય પ્રમાણે, 94943 એક્ટિવ કેસ દેશભરમાં ઉપલબ્ધ છે. ગત સપ્તાહે 8427 સરેરાશ કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 8503 કેસ સામે આવ્યા છે. કેરળમાં 41 હજારથી વધારે એક્ટિવ કેસ છે. 10161 કેસ મહારાષ્ટ્રમાં છે. વીકલી પોઝિટિવિટી રેટ અઢી માસથી 2 ટકાથી ઓછો છે. દેશના 19 જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ વધારે છે અને તે 5થી 10 ટકા બનેલો છે. તેમા કેરળના આઠ જિલ્લા, મિઝરોમના 5 જિલ્લા, મણિપુરના 2 જિલ્લા, નાગાલેન્ડ, પુડ્ડુચેરી અને પ.બંગાળના 1-1 જિલ્લા સામેલ છે. જ્યારે 8 એવા જિલ્લા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધારે છે. તેમા મિઝોરમના 5સ કેરળના 2, સિક્કીમનો 1 જિલ્લો સામેલ છે. દક્ષિણ સિક્કીમ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 35.8 ટકાથી પણ વધારે છે. . આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનેશન હેઠળ 80.98 કરોડ લોકોને રસીનો પહેલો ડોઝ અપાય ચુક્યો છે. બીજો ડોઝ લાગી ગયો હોય તેવા 50.21 કરોડ લોકો છે. દેશની અડધીથી વધુ વસ્તી હાલ સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકી છે. કુલ મળીને 131 કરોડથી વધુ લોકોને રસી લાગી ચુકી છે.

