મોરબી તાલુકાના જેતપર ગામે કપાસનો પાક નબળો પડતાં આર્થિક અને માનસિક ચિંતામાં મુકાયેલા 25 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની કરુણ ઘટના સામે આવી છે. બનાવ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક નયન માનસિંગભાઈ મોહનિયા (ઉં.વ. 25) મૂળ દાહોદ જિલ્લાના વતની હતા અને હાલ જેતપર ગામે જયેશભાઈ અમરશીભાઈની વાડીએ રહી મજૂરી કામ કરતા હતા. તેમણે જેતપર ખાતે ખેતીની જમીન વાવવા રાખી હતી, જેમાં કપાસનું વાવેતર કર્યું હતું. જોકે, કપાસનો પાક નબળો પડતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી ચિંતામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન નયને વાડીમાં આવેલી પોતાની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના સમયે તેમની પત્ની ઓરડીમાં હાજર ન હતી. પત્ની પરત ફર્યા બાદ દરવાજો ન ખુલતાં સ્થાનિકોની મદદથી દરવાજો તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં નયનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
બનાવ અંગે જયેશભાઈ અમરશીભાઈ અઘારાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

