મોરબી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ છોટા ઉદેપુર જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ નોંધાયેલા મોટરસાયકલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીની મોટરસાયકલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી-હળવદ રોડ પર ઊંચી માંડલ નજીક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર પસાર થઈ રહેલા વિક્રમભાઈ લુલજીભાઈ નાયકા (રહે. હાલ જીકીયારી ગામ, મોરબી, મૂળ કુંભાણી, તા. છોટા ઉદેપુર)ને શંકાના આધારે રોકી પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસે મોટરસાયકલના દસ્તાવેજો માંગતા આરોપી કોઈ કાગળ રજૂ કરી શક્યો ન હતો. ત્યારબાદ વાહનની માલિકીની તપાસ અને પોલીસ રેકોર્ડની ચકાસણી કરતાં આ મોટરસાયકલ આશરે પાંચ વર્ષ અગાઉ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો હજુ સુધી વણશોધાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.
મોરબી એલસીબીએ ચોરાઉ મોટરસાયકલ કબજે કરી આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપ્યો છે. સાથે જ આગળની કાયદેસરની કાર્યવાહી માટે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.

