નવી દિલ્હી, ગુરુવાર
તમિલનાડુના કુન્નૂરની નજીક હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે શુક્રવારે દિલ્હી કેન્ટોન્મેન્ટમાં કરવામાં આવશે. જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને રાત્રે 8 વાગ્યે સૈન્ય વિમાન દ્વારા દિલ્હી લવાયા હતા . અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને એનએસએ અજીત ડોભાલ સહીતના વરિષ્ઠો મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. સીડીએસ અને તેમના પત્ની સિવાય હેલિકોપ્ટર ક્રેશમાં માર્યા ગયેલા અન્ય 11 લોકોના મૃતદેહોને પણ સૈન્ય વિમાન દ્વારા રાત્રે આઠ વાગ્યે દિલ્હી લવાય રહ્યા છે. તેમને પણ એરપોર્ટ પર વરિષ્ઠ નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
શુક્રવારે જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમની આખરી સફર કામરાજ માર્ગથી શરૂ થશે. આ અંતિમ યાત્રા દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્ક્વેર સ્મશાનઘાટ પર સમાપ્ત થશે.
મહત્વપૂર્ણ છે કે એક સ્પેશયલ એરક્રાફ્ટ દ્વારા બુધવારે સવારે 9 વાગ્યે જનરલ રાવત અને તેમના પત્ની સહીતના 9 લોકો દિલ્હીથી રવાના થયા હતા અને સવારે 11.35 કલાકે સુલૂર એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. તેના પછી આગળની સફર માટે વાયુસેનાના હેલિકોપ્ટરનો ઉપયોગ કરાયો હતો. લગભગ 11.45 કલાકે દિલ્હીથી આવેલા 9 લોકો અને પાંચ ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 14 લોકો સુલૂરથી વેલિંગ્ટન આર્મી કેમ્પ માટે હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા. વેલિંગ્ટન આર્મી કેમ્પથી માત્ર 16 કિલોમીટર દૂર આ દુર્ઘટના બની હતી. તેમાં 14માંથી 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
દુર્ઘટના સમયે વાયુસેનાના એમઆઈ-17વી-5 હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત,બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર, લે. કર્નલ હરજિંદરસિંહ, એનકે ગુરુસેવકસિંહ,વિંગ કમાન્ડર પી. એસ. ચૌહાન, એનકે જિતેન્દ્રકુમાર, જેડબ્લ્યૂઓ પ્રદીપ એ. જેડબ્લ્યૂઓ દાસ, સ્ક્વાર્ડન લીડર કે. સિંહ, લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક બી. સાઈ. તેજા, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ અને હવાલદાર સતપાસ સામેલ હતા. દુર્ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુનસિંહ જ જીવિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમના ત્રણ ઓપરેશન પણ થઈ ચુક્યા છે અને તેમને વધુ સારવાર માટે બેંગાલુરુની કમાન્ડ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પાર્થિવ શરીરોની ઓળખ પ્રક્રિયા થઈ રહી છે. સકારાત્મક ઓળખની ઔપચારીકતાઓ પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ સેનાના બેઝ હોસ્પિટલના મડદાંઘરમાં રાખવામાં આવશે. રાત્રે નવ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, એનએસએ અજીત ડોભાલ અને ત્રણેય સેનાના પ્રમુખો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના પાલમ એરપોર્ટ લઈ જવાશે. અહીંથી પાર્થિવ દેહોને આર.આર. હોસ્પિટલ લઈ જવાશે. આ પહેલા કૂન્નુરથી મૃતકોના પાર્થિવ દેહને લઈ જતા વાહનોને ભીની આંખે માર્ગ પર બંને તરફ કતારબદ્ધ લોકોએ આખરી વિદાય આપી હતી. તેમણે પુષ્પવર્ષા કરી હતી અને ભારતમાતાની જયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે એવા પણ અહેવાલ હતા કે આમાની એક ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.

