નેપાળમાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય પ્રવાસીઓને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રીતે ગુમ અથવા સંપર્કવિહોણા ગણાતા 21 ભારતીય પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બચાવાયેલા તમામ પ્રવાસીઓ તામિલનાડુના હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ કૈલાસ-માનસરોવર યાત્રા માટે નેપાળ ગયા હતા.
બીજી તરફ ગુજરાતના પ્રવાસીઓને લઈને ચિંતા યથાવત છે. નેપાળ ગયેલા અંદાજે 12 ગુજરાતીઓ સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરો અને RTO તંત્રને નેપાળ ગયેલા પ્રવાસીઓની વિગતો એકત્ર કરવાની સૂચના આપવામાં આવી છે. સંપર્કવિહોણા ગુજરાતીઓમાં અમદાવાદ, આણંદ, વલસાડ, રાજકોટ અને સુરત સાથે સંબંધિત લોકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક પ્રવાસીઓ વિદેશમાં વસતા ગુજરાતી હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટથી નેપાળ તરફ ગયેલા આશરે 15 વાહનો અંગે પણ તપાસ ચાલી રહી છે. આ વાહનોમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેની ચોક્કસ વિગતો મેળવવા માટે કલેક્ટર કચેરી અને RTO દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રવાસીઓ બસ, કાર અને ટેક્સી સહિતના વિવિધ વાહનો મારફતે યાત્રા માટે નીકળ્યા હોવાનું જાણવા મળે છે.
આણંદ સાથે સંબંધ ધરાવતા અમેરિકન નાગરિક બિમલ પટેલ અને તેમની પત્ની જૈનિના પટેલ પણ નેપાળ યાત્રા દરમિયાન સંપર્કવિહોણા હોવાનું સામે આવ્યું છે. બંને થોડા સમય અગાઉ ભારત આવ્યા હતા અને 16 ઓગસ્ટે ટ્રાવેલ એજન્ટ મારફતે કૈલાસ-માનસરોવર યાત્રા માટે રવાના થયા હતા. પરિવારજનો સાથે તેમની છેલ્લી વાતચીત રવિવારે થઈ હોવાનું જણાવાયું છે.
વડોદરાના કિન્નરી પટેલ અને મીહિર પટેલ અંગે પણ પરિવારજનો ચિંતિત છે. બંને ન્યૂઝીલેન્ડમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ મુંબઈની એક ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળ ગયા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ કિન્નરી પટેલ 23 ઓગસ્ટે સિંગાપોરથી કાઠમંડુ પહોંચ્યા હતા અને 26 ઓગસ્ટ બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
નેપાળમાં પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિને કારણે બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ છે. ગુજરાત સરકાર પણ રાજ્યમાંથી યાત્રા માટે ગયેલા અને સંપર્કવિહોણા પ્રવાસીઓની વિગતો મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. હવે તમામની નજર સંપર્કવિહોણા 12 ગુજરાતીઓ અંગે સત્તાવાર માહિતી અને તેમની સુરક્ષિત સ્થિતિ અંગેના સમાચાર પર છે.

