નવી દિલ્હી, ગુરુવાર
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સનો એક રિપોર્ટ આવ્યો છે. તેના એક રિપોર્ટમાં ચીનને દુનિયાના પત્રકારો માટેની સૌથી મોટી જેલ ગણાવવામાં આવ્યું છે, કારણ કે ચીનમાં 125થી વધુ પત્રકારોને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ઓછામાં ઓછા 127 વ્યવસાયિક અને બિનવ્યવસાયિક પત્રકારોને શી જિનપિંગની સરકારે કસ્ટડીમાં લીધા છે.
રિપોર્ટ પ્રમાણે, સંવેદનશીલ વિષયો પર રિપોર્ટ કરવા અથવા તપાસ કરવા અથવા સેન્સર કરવામાં આવેલી માહિતીને પ્રકાશિત કરવાને કારણે તમારે વર્ષો સુધી જેલમાં રહેવું પડે તેવી શક્યતા છે અને જ્યાં ખોટી સારવારથી તમારું મોત થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 127 કસ્ટડીમાં લેવામાં આવેલા પત્રકારોમાં સૌથી વધુ 71 જેટલા ઉઈગૂર પત્રકારો સામેલ છે. મહત્વપૂર્ણ છે કે ચીન 2016થી આતંકવાદ વિરુદ્ધ લડાઈના નામે ઉઈગૂરોની વિરુદ્ધ એક હિંસક અભિયાન ચલાવી રહ્યું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ચીનની સરકાર પત્રકારોને પોતાના શાસનના મુખપત્ર બનવા માટે મજબૂર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, પત્રકારોને પોતાના પ્રેસ કાર્ડ પ્રાપ્ત કરવા અને અપડેટ કરવા માટે પણ શી જિનપિંગના થૉટ પર આંશિકપણે ધ્યાન કેન્દ્રીત કરીને 90 કલાકની વાર્ષિક ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. 2020માં મોનિટરિંગ અને વીઝા બ્લેકમેઈલિંગના આધારે ચીને 18 વિદેશી પત્રકારોને દેશ છોડવા માટે મજબૂર કર્યા હતા. આ વર્ષે ચીને કોરોના વાઈરસની મહામારીને રિપોર્ટ કરવા માટે ઓછામાં ઓછા 10 પત્રકારોને પણ એરેસ્ટ કર્યા હતા. ફોરેન કોરેસ્પોન્ડેન્ટ્સ ક્લબ ઓફ ચાઈનાએ પણ કહ્યું છે કે ચીને 2020માં કોરોના વાઈરસને લઈનેવિદેશી રિપોર્ટિંગને મર્યાદીત કરવા માટે ડર-ધમકી અને વીઝા પ્રતિબંધોનો ઉપયોગ કર્યો હતો.

