લખનૌ, સોમવાર
ઉત્તરપ્રદેશ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ ઈસ્લામનો ત્યાગ કરીને સનાતન હિંદુ ધર્મ સ્વીકારી લીધો છે. ધર્મ બદલીને વસીમ રિઝવીએ પોતાનું નવું નામ હરબીર નારાયણ સિંહ ત્યાગી કર્યું છે. જૂના અખાડાના મહામંડલેશ્વર નરસિંહાનંદ ગિરિએ તેમને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો છે અને તેના પછી રિઝવીનું નવું નામકરણ પણ કરવામાં આવ્યું છે.
વસીમ રિઝવીએ ડાસના મંદિર પહોંચીને કહ્યુ હતુ કે જ્યારે મને ઈસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે, તો આ મારી મરજી છે કે હું ક્યો ધર્મ સ્વીકારું. મે સનાતન ધર્મ પસંદ કર્યો, કારણ કે વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે. વસીમ રિઝવીનંલ સનાતન ધર્મ ગ્રહણ કરાયા બાદ શુદ્ધિકરણ કરાય રહ્યું છે. હવન-યજ્ઞ પણ થશે. તમામ અનુષ્ઠાનો મહામંડલેશ્વર નરસિંહાનંદ ગિરિની દેખરેખમાં થઈ રહ્યા છે. તેના માટે મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી છે.
મહામંડલેશ્વર નરસિંહાનંદ ગિરિએ કહ્યુ હતુ કે વસીમ રિઝવી 5 નવેમ્બરે મંદિરમાં આવ્યા હતા. તે દિવસે તણે કહ્યુ હતુ કે મૃત્યુ બાદ તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર હિંદુ રીતિ-રિવાજથી કરવામાં આવે. તેના માટે તેમણે જૂના અખાડાના મહામંડલેશ્વર નરસિંહાનંદ ગિરિને અધિકૃત પણ કર્યા હતા. તે દિવસે વસીમ રિઝવીએ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના પણ કરી હતી.
વસીમ રિઝવી મૂળભૂત રીતે લખનૌના વતની છે. 2000માં તેઓ લખનૌના મોહલ્લા કાશ્મીરી વોર્ડમાંથી સમાજવાદી પાર્ટીના કોર્પોરેટર પણ રહી ચુક્યા છે.. 2008માં તેઓ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના સદસ્ય અને બાદમાં ચેરમેન બન્યા. રિઝવીએ કુરાનની 26 આયાતોને હટાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેને કોર્ટે નામંજૂર કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા વસીમ રિઝવી પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
રિઝવીએ તાજેતરમાં એક પુસ્તક મોહમ્મદ લખ્યું છે. તેને લઈને રાજકીય હલચલ છે. મુસ્લિમ ધર્મગુરુઓની તીખી પ્રતિક્રિયા આવી હતી. મુસ્લિમ ધર્મગુરુઓનું કહેવું છે કે રિઝવીએ આ પુસ્તક દ્વારા પયગંબરની શાનમાં ગુસ્તાખી કરી છે. તેના પછી રિઝવીએ નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે તેમની કોઈપણ સમયે હત્યા થવાની સંભાવના છે.

