ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12 માં પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે સૂચના જારી કરાઈ છે કે, ધો .9 અને ધો.10 ધો.11 સાયન્સ તેમજ ધો .12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ અગાઉ જે 20 ટકા રહેતું તે આ વર્ષે લેવાનારી પરીક્ષામાં વધારીને 30 ટકા કરી દેવા માટે રાજ્યના તમામ ડીઇઓને પરિપત્ર કરી દેવાયો છે.
આ વર્ષે જે ફેરફાર કરાયા છે તે અનુસંધાને ધો.9 થી 12 માટે પ્રકરણ દીઠ ગુણભાર અને પ્રશ્નપત્રનું માળખું તેમજ પરિરૂપની જાણકારી ટુંક સમયમાં અપાશે. જેનો અમલ જાન્યુઆરી 2022માં લેવાનારી ધો.9 અને ધો.11ની બીજી કસોટી, ધો.10 અને ધો.12ની પ્રિલિમ પરીક્ષા અને ધો.9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષા તેમજ ધો.10-12ની બોર્ડની વાર્ષિક પરીક્ષામાં કરવાનો રહેશે. ધો.9 અને ધો .10 , ધો .11 સાયન્સ તેમજ ધો .12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ અગાઉ જે 20 ટકા રહેતું તે આ વર્ષે લેવાનારી પરીક્ષામાં હવે 30 ટકા કરી દેવામાં આવ્યું છે, જ્યારે 70 ટકા પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. ધો.9,10,11 (વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ), ધો .12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જ લખવાના રહેશે. જેમાં ઓએમઆર નથી, માત્ર ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 50 ટકા એમસીક્યુ – ઓએમઆર પદ્ધતિ અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનુ પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધો .9 થી ધો .12 ના પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.
(તસવીર પ્રતિકાત્મક છે)

