ભારતીય વાયદા બજાર એટલે કે MCXમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. શરૂઆતના કારોબારમાં બંને કિંમતી ધાતુઓ પર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, દિવસના અંતિમ તબક્કામાં નીચલા સ્તરેથી ખરીદી આવતા ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી. તેમ છતાં બંને ધાતુઓ ઘટાડા સાથે બંધ થયા હતા.
MCX પર 5 ઓક્ટોબર 2026ના સોનાના વાયદામાં સોનું રૂ.1,57,075ના ભાવે ખુલ્યું હતું. ત્યારબાદ વેચવાલી વધતા ભાવ દિવસની નીચી સપાટી રૂ.1,51,262 સુધી પહોંચ્યા હતા. આમ, એક તબક્કે ઓપનિંગ ભાવની સરખામણીએ રૂ.4,513નો ઘટાડો નોંધાયો હતો. જોકે, બાદમાં ભાવમાં સુધારો થતાં સોનું અંતે રૂ.3,008 એટલે કે 1.93 ટકા ઘટીને રૂ.1,52,767ના સ્તરે બંધ થયું હતું.
ચાંદીના 4 ડિસેમ્બર 2026ના વાયદામાં પણ શરૂઆતથી જ દબાણ જોવા મળ્યું હતું. ચાંદી રૂ.2,41,106ના ભાવે ખુલ્યા બાદ ગગડીને રૂ.2,34,572ની નીચી સપાટીએ પહોંચી હતી. આમ, એક તબક્કે રૂ.7,777નો ઘટાડો નોંધાયો હતો. દિવસના અંતે ચાંદી રૂ.4,691 એટલે કે 1.94 ટકા ઘટીને રૂ.2,37,658 પ્રતિ કિલોગ્રામના ભાવે બંધ રહી હતી.
બજારના ઘટાડા પાછળ મજબૂત અમેરિકન ડૉલર, બોન્ડ યીલ્ડમાં વધારો અને ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જેવા પરિબળોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના મિશ્ર સંકેતોને કારણે રોકાણકારોમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. કિંમતી ધાતુઓમાં અગાઉ આવેલી તેજી બાદ રોકાણકારોએ નફો બુક કરતાં વેચવાલી વધી હતી, જેના કારણે સોના અને ચાંદી બંનેના ભાવ પર દબાણ આવ્યું હતું.

