મોરબીના મહેન્દ્રનગર ગામે ખેતર માલિકીના વિવાદને લઈને ખેડૂતને ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ખેડૂતે બે શખ્સો વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહેન્દ્રનગર ગામે રહેતા અને ખેતીકામ કરતા પરેશભાઈ લખમણભાઈ ભોરણિયા (ઉ.વ. 35) પોતાની માળીયાના ખીરઇ ગામની સીમમાં આવેલી માલિકીની જમીનમાં ખેડાણ કરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી ઈકબાલ હાજીભાઈ મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી, રહે. ખીર (તા. માળિયા) ત્યાં ધસી આવ્યા હતા.
ફરિયાદ અનુસાર, બંને આરોપીઓએ ખેતર પોતાનું હોવાનું કહી પરેશભાઈને ખેતી કામ બંધ કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગાળો આપી ભડાકા અને ફાયરિંગ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
બનાવ અંગે પરેશભાઈ ભોરણિયાએ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

