મોરબી: વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રનો વિરોધ નોંધાવતા ખેડૂત આગેવાનોએ ‘સત્યાગ્રહ પાર્ટ-3’ની જાહેરાત કરી છે. આ અંતર્ગત આગામી 14 જુલાઈ, 2026ના રોજ મોરબી ખાતે વિશાળ ન્યાય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત સમિતિ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સવારે 9 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા સર્કિટ હાઉસ, ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ માર્ગે પસાર થઈ બપોરે 12 વાગ્યે કલેક્ટર કચેરી પહોંચશે. અહીં ખેડૂતો દ્વારા સરકારના નવા પરિપત્ર વિરુદ્ધ આવેદનપત્ર રજૂ કરવામાં આવશે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકારનો નવો પરિપત્ર ખેડૂતોના હિતો વિરુદ્ધ છે અને વળતર મુદ્દે ખેડૂતો સાથે અન્યાય કરતો હોવાથી તેને સ્વીકારવામાં આવશે નહીં. આ મુદ્દે રાજ્યભરના ખેડૂતોને એક મંચ પર લાવવા માટે મોટી સંખ્યામાં મોરબી પહોંચવાની અપીલ કરવામાં આવી છે.
ખેડૂત સંગઠનોના જણાવ્યા અનુસાર, આ ન્યાય પદયાત્રા ખેડૂતોના હક્કો, યોગ્ય વળતર અને સરકાર સુધી તેમની માંગણીઓ મજબૂત રીતે પહોંચાડવાના હેતુથી યોજવામાં આવી રહી છે. આંદોલનને સફળ બનાવવા માટે ગુજરાતભરમાં ખેડૂતો સુધી સંદેશ પહોંચાડવા અને જનજાગૃતિ લાવવા માટે પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

