મોરબી એલસીબી અને પેરોલ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ગુનાખોરી અટકાવવા માટે કામગીરી કરી રહ્યા હતા ત્યારે મોરબી-વાંકાનેર રોડ પર આવેલી ઓક્ટ્રી હોટલ નજીક એક શંકાસ્પદ વ્યક્તિ મોટરસાયકલ પર આવતા નજરે ચઢ્યો હતો. પોલીસે તેને અટકાવી મોટરસાયકલના દસ્તાવેજો માંગતા તેની પાસે કોઈ કાગળો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ઓળખ માલાભાઈ કાળુભાઈ બરવાડિયા (ઉ.વ. 30), રહે. નવા જાંબુડિયા શક્તિપારા, તા. જી. મોરબી તરીકે કરી હતી.
વધુ પૂછપરછ દરમિયાન માલાભાઈએ મોટરસાયકલ પોતાના ભત્રીજા વિજય અજય ઉર્ફે ભદાભાઈ સલાટ, રહે. જાંબુડિયા, પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસને શંકા જતાં મોટરસાયકલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોકેટકોપ એપ્લિકેશનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મોટરસાયકલ અંગે જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ચોરીનો ગુનો નોંધાયેલ છે અને તે કેસ હજુ સુધી વણઉકેલ હતો.
આથી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાતા મોટરસાયકલને ગુનાના મુદામાલ તરીકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106(1) હેઠળ કબજે કરી હતી. ઉપરાંત, માલાભાઈ બરવાડિયાને કાયદેસરની કાર્યવાહી માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(બી) મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.સાથે જ સમગ્ર મામલે આગળની કાર્યવાહી માટે જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

