ટંકારા તાલુકાના ઓટાળા ગામેં રહેતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરાએ બે શખ્સો સામે વ્યાજખોરી, ધમકી અને બળજબરીના આક્ષેપો સાથે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2024 દરમિયાન તેમને નાણાંની જરૂરિયાત ઊભી થતાં મિતાણા ગામના જયદીપભાઈ બાબુભાઈ બસિયા પાસેથી રૂ.17 લાખ વ્યાજે લીધા હતા. જેમાંથી રૂ.13 લાખ પર દરરોજ રૂ.13 હજાર અને બાકીના રૂ.4.04 લાખ પર રોજના રૂ.6 હજારના હિસાબે અત્યાર સુધીમાં કુલ રૂ.1.10 કરોડ જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ત્યારબાદ વર્ષ 2025 દરમિયાન વધુ નાણાંની જરૂર પડતાં તેમણે રાજકોટના રહેવાસી રવિભાઈ ઝીલરિયા પાસેથી રૂ.13 લાખ વ્યાજે લીધા હતા. આ રકમમાંથી રૂ.7 લાખ પર રોજનું સાડા દસ હજાર અને બાકીના રૂ.6 લાખ પર રોજનું રૂ.6 હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે અત્યાર સુધીમાં તેઓ રૂ.35 લાખ જેટલી રકમ વ્યાજ રૂપે ચૂકવી ચૂક્યા છે. આટલી મોટી રકમ ચૂકવ્યા છતાં બંને આરોપીઓ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારને ગંભીર પરિણામોની ધમકી આપી, ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. ઉપરાંત આરોપી રવિ ઝીલરિયાએ ફરિયાદીની માલિકીની વર્ના કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-36-R-7008) બળજબરીપૂર્વક કબજે કરી લીધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

