મોરબી જિલ્લાના છેવાડાના વિસ્તારોના પ્રશ્નોના ત્વરિત અને સકારાત્મક ઉકેલ લાવવાના વહીવટી તંત્રના જનહિત અભિગમ હેઠળ માળિયા તાલુકાના વિવિધ વિસ્તારોની મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટર દ્વારા મીઠા ઉદ્યોગો અને સ્થાનિક મીઠા પકવતા નાના અગરિયાઓ માટેની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, જુમાવાડી વિસ્તારમાં સ્થાનિક રહીશો તેમજ માછીમાર પરિવારો સાથે મુલાકાત કરી, તેમના રોજગાર અને પાયાની સુવિધાઓને લગતા વિવિધ સ્થાનિક પ્રશ્નોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
આ ક્ષેત્રીય મુલાકાત અન્વયે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આ નીચાણવાળા વિસ્તારમાં સર્જાતી વરસાદી પાણી ભરાવવાની વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાણી ભરાવવાની સમસ્યાવાળા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ ભવિષ્યમાં સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અંગે સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સ્થળ પર જ ટેકનિકલ ચર્ચા-વિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.


