મોરબીના વાવડી રોડ પર આવેલી સિંધી સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુળચંદભાઈ અડવાણીએ બે મહિલાઓ સામે લગ્નના બહાને છેતરપિંડી કર્યાની ફરિયાદ મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અમદાવાદના બિલાસિયા ચોકડી નજીક રોયલ રીજોઇસ-2માં રહેતી પ્રિતીબેન કેવલરામ વાઘવાણી અને મૂળ રાજસ્થાનના જોધપુરની રહેવાસી તેમજ હાલ અમદાવાદમાં રહેતી નિશા રામચંદ્ર હેમલાનીએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ લગ્ન કરાવી આપવાના બહાને ફરિયાદી પાસેથી રૂ. 1 લાખ મેળવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, લગ્ન બાદ નિશાબેન ફરિયાદીના ઘરે માત્ર આઠથી નવ દિવસ સુધી રહી હતી. ત્યારબાદ કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને જતી રહી હતી. આ સમગ્ર બનાવ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે બંને મહિલાઓએ મળીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે બંને આરોપી મહિલાઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

