મોરબી જિલ્લાના માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર રહેલા અને રૂપિયા ૨૦ હજારના ઇનામી આરોપીને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
માહિતી મુજબ, તા. 25/10/2024ના રોજ માળીયા (મીં) ખાતે વાગડિયા ઝાંપા વિસ્તારમાં જૂની એસ.બી.આઈ. બેન્ક નજીક બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ મામલે ખમીસાભાઈ ઓસમાણભાઈ જેડા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, તેમના કાકાના દીકરા સોહિલ અને આરોપી પક્ષના યુવકો વચ્ચે નાની બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો. જેનો મનદુઃખ રાખી આરોપીઓ બે વાહનોમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ફરિયાદી પક્ષ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ફરિયાદીના ભાઈ હૈદરભાઈ અલીમહમદ ઉર્ફે ઇલિયાસભાઈ જેડા પર બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને બાદમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પરિણમતા માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આ કેસની તપાસ દરમિયાન પોલીસે નવ આરોપીઓને ઝડપી લઈ તેમની સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી ફારૂક હબીબભાઈ જામ રહે. માળીયા (મીં), એસ.બી.આઈ. બેન્ક પાસે, છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. આરોપીને ઝડપી પાડવા માટે રૂપિયા 20,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો સતત તેની શોધખોળમાં લાગી હતી. આ દરમિયાન એલ.સી.બી.ને ખાનગી બાતમી મળી હતી કે ફરાર આરોપી હાલ માળીયા (મીં) ખાતે મચ્છુ માતાજીના મંદિર નજીક ગઢીયા તળાવ પાસે આવેલા પોતાના ખેતરમાં હાજર છે. બાતમીના આધારે એલ.સી.બી., પેરોલ ફર્લો અને એસ.ઓ.જી.ની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી ફિલ્મી અંદાજમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ તેને આગળની કાર્યવાહી માટે માળીયા (મીં) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીથી મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો અને એસ.ઓ.જી.ની ટીમોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

