રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, પરંતુ આ વખતે ચોરી કરનાર કોઈ રીઢો તસ્કર નહીં, પરંતુ માત્ર ૧૩ વર્ષની સગીરા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર-૨માં રહેતા ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉં.વ. ૩૭) સાબુનો વેપાર કરે છે. તેઓ ૧ એપ્રિલે બપોરે ૩ વાગ્યા આસપાસ વેપાર માટે ઘરેથી નીકળ્યા હતા. સાંજે ૭ વાગ્યે જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે તેમની પત્ની પારૂલબેને જણાવ્યું કે, બપોરે ૪થી સાંજે ૬ વાગ્યા સુધી તેઓ શેરીમાં બેઠા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો.
ઘરમાં પ્રવેશતાં જ પારૂલબેને જોયું કે દીવાલના ખુલ્લા કબાટમાં રાખેલું પર્સ ગાયબ છે, જેમાં તેમના ઘરેણાં હતાં. પર્સમાં આશરે ૯ તોલા સોનાના દાગીના હતા, જેમાં ચાર તોલાનો સોનાનો હાર, બે તોલાનું મંગળસુત્ર, બે તોલાનો હાથપોચો, બે સોનાની બુટી અને એક સોનાનો ટીકો સામેલ હતો. આ બધાની કુલ કિંમત આશરે રૂ. ૧૦.૮૦ લાખ આંકવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં ફરિયાદી દંપતીએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે એક આશ્ચર્યજનક તથ્ય સામે આવ્યું. ચોરી કરનાર કોઈ વ્યાવસાયિક તસ્કર નહોતો, પરંતુ ફરિયાદીના ઘરની નજીક જ ૧૫ દિવસ પહેલાં ભાડે રહેવા આવેલા એક દંપતીની ૧૩ વર્ષની પુત્રી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ફરિયાદી દંપતી ઘરે ન હતું ત્યારે આ સગીરાએ ઘરમાં ઘૂસીને દાગીના ભરેલું પર્સ લઈને નાસી છૂટી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચોરી થયેલ તમામ રૂ. ૧૦.૮૦ લાખનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. પોલીસે બાળકી સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે

