અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધ દંપતીની હત્યા કરવાની ધમકી આપીને ત્રણ શખસે હીરાજડિત સોનાના દાગીના સહિત કુલ રૂ. 21.91 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્રણ લૂંટારાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જાનથી મારી નાખીશું. ભોગ બનનાર 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ કરી છે. ભરતભાઈ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદર ખાતે આવેલી ક્રોસમાર્ક ઈનોવેશન નામથી ભાગીદારીમાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. તારીખ 26 ઓક્ટોમ્બરના રોજ રાત્રે સાડાદસ વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં સૂઈ ગયાં હતાં ત્યારે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગી ગયા હતા. ભરતભાઈ પરત આવીને સૂઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.
ભરતભાઈ દસ મિનિટ પછી ફરીથી જાગી ગયા ત્યારે તેમની સામે બે અજાણ્યા શખસ ઊભા હતા. બન્ને શખસના હાથમાં છરો હતો, જેથી ભરતભાઈએ ચોર ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તો એકદમ એક શખસ છરો લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે ‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’.
આ દરમિયાન પલ્લવીબેન પણ જાગી જતાં ત્રીજો શખસ છરી લઈને આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’. શખસે પલ્લવીબેનને કહ્યું હતું કે ‘તિજોરી કહા હૈ વો દીખા’. પલ્લવીબેન ગભરાઈ ગયાં, જેથી તેમને બેડરૂમની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી.
પલ્લવીબેનની સામે બે શખસે હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, આઠ સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી હતી. લૂંટારાઓ ત્યાંથી નાસી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયાં હતાં. ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

