મોરબીની જાણીતી સેવા સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ આજે દીપોત્સવ નિમિત્તે બાળકો સહિત 200 પરિવારને જમાડશે અને વંચિતોને રાશનકીટ અને મીઠાઇનું વિતરણ કરવામાં આવનાર છે.દીપોત્સવ પર્વ પર સામાન્ય વર્ગ અને વંચિતોના ચહેરા ખીલે અને પર્વનો સામુહિક આનંદ માણી શકે તે માટે સામાજિક સંસ્થાઓ આગળ આવી છે
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દ્વારા દિવાળીનાં પાવન પર્વ નિમિત્તે ઉમિયા આશ્રમ ખાતે મીઠાઈ તથા ફરસાણ બનાવી અનૌપચારિક વસાહત ઝુંપડપટ્ટીના 5 વિસ્તારો દલવાડી સર્કલ, નવલખી ફાટક, મચ્છુ નદી કાંઠે, ખાખરાડા બાયપાસ હાઈવે, રવાપર ઘુનડા રોડ પર રહેતાં લોકો માટે સામાજિક સમરસતાનાં ભાગરૂપે 600થી વધુ પેકેટ ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરી બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાઇ હતી. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં આ સંસ્થાએ હળવદ સ્થિત એક સંસ્થાના દિવ્યાંગ બાળકોના હાથે બનાવેલા દીવડાઓને લોકો ખરીદી સ્વદેશી અપનાવોના સૂત્રને વેગ આપે તેવા હેતુસર દિવ્યાંગ બાળકોની આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે રૂ. 13,000નું અનુદાન આપી દીવડાઓ ખરીદી આ દીવડાનું મોરબી સિવિલ હોસ્પિટલના આશરે 250 જેટલા સ્ટાફને વિતરણ કરાયું હતું. સિવિલ હોસ્પિટલના આ તમામ સામાન્ય કર્મચારીઓ પણ દિવાળીમાં દીવડા પ્રગટાવી જીવનમાં અંધકારને દૂર કરી અંતરમાં આશારૂપી ઉજાશ ફેલાવાના પર્વના સાચા મર્મને ગ્રહણ કરશે.
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી કરાશે. જેમાં આ ગ્રુપ દ્વારા ઝૂંપટપટ્ટીના બાળકો સહિતના લોકો તેમજ અન્ય લોકોને રાશનકીટ તેમજ પ્રેમપૂર્વક જમાડીને ફટાકડા અને મીઠાઈ આપીને દિવાળીની ઉજવણીનો તેમને આનંદ અપાશે

